અંબાજી જતા પદયાત્રીઓની રાત્રિ સુરક્ષા માટે મહીસાગર ARTO કચેરીનો સંવેદનશીલ અભિગમ: રેડિયમ સ્ટિક, સેફ્ટી જેકેટ અને નાઇટ ગ્લોઇંગ બેન્ડનું વિતરણ
*

અમીન કોઠારી મહીસાગર
“સુરક્ષિત પદયાત્રા, સુરક્ષિત યાત્રા – માર્ગ સલામતી સૌની જવાબદારી”ના મંત્ર સાથે યાત્રાળુઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવાઈ
*
ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી તરફ શ્રદ્ધાભેર પગપાળા જઈ રહેલા માઈભક્તોની રાત્રિ સુરક્ષાને ધ્યાને રાખી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (ARTO) કચેરી, મહીસાગર દ્વારા સંવેદનશીલ અભિગમ સાથે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

“સુરક્ષિત પદયાત્રા, સુરક્ષિત યાત્રા – માર્ગ સલામતી સૌની જવાબદારી”ના ઉમદા મંત્ર સાથે જિલ્લામાંથી પસાર થતા માર્ગો પર પદયાત્રીઓને રાત્રિના અંધકારમાં વાહન અકસ્માતથી બચાવવા માટે રેડિયમ સ્ટિક, રેડિયમ રિફ્લેક્ટર, સેફ્ટી જેકેટ તથા નાઇટ ગ્લોઇંગ રિસ્ટ બેન્ડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાધનોના ઉપયોગથી રાત્રિ દરમિયાન દૂરથી આવતા વાહનચાલકોને પદયાત્રીઓ સ્પષ્ટપણે દ્રશ્યમાન થાય છે, જેથી અકસ્માતનો ભય નિવારી શકાય છે.
આ પહેલ અંતર્ગત ARTO કચેરીની ટીમ દ્વારા પદયાત્રીઓ અને સેવા સંઘોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપતાં જણાવવામાં આવ્યું હતું કે, યાત્રિકોએ રાત્રિના સમયે ચાલતી વખતે હંમેશાં માર્ગની નિર્ધારિત સાઈડ જાળવી રાખવી, હાથમાં કે સામાન પર રેડિયમ સ્ટિક અને ગ્લોઇંગ બેન્ડ પહેરી રાખવા તેમજ ટોળામાં અસ્તવ્યસ્ત ચાલવાને બદલે શિસ્તબદ્ધ રીતે આગળ વધવું જોઈએ. સાથોસાથ આ માર્ગો પરથી પસાર થતા તમામ વાહનચાલકો પણ ગતિ મર્યાદા જાળવી પદયાત્રીઓની સુરક્ષા પ્રત્યે સભાન રહે તેવી અપીલ કરવામાં આવી હતી.
વહીવટી તંત્રની આ તકેદારી અને સુરક્ષાલક્ષી વ્યવસ્થા બદલ પદયાત્રીઓ તથા સેવાભાવી અગ્રણીઓએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.









