ભારતીય રાજકારણમાં પક્ષપલટો અને ચૂંટણી પ્રતીકોને લઈને ચાલતી ખેંચતાણ હવે પશ્ચિમ બંગાળના મુખ્ય રાજકીય પક્ષ તૃણમૂલ કોંગ્રેસ સુધી પહોંચી ગઈ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન બંને જૂથો માટે ફ્રીઝ કરવાનો આદેશ આપવામાં આવતાં જ દેશનું રાજકીય તાપમાન વધી ગયું છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ સમગ્ર મામલે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો છે.

તૃણમૂલ કોંગ્રેસના વિવાદ પર લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ સમગ્ર ઘટનાક્રમને એક પૂર્વઆયોજિત પેટર્ન ગણાવી છે. તેમણે કહ્યું કે, પહેલા શિવસેના, પછી NCP અને હવે તૃણમૂલ કોંગ્રેસ. દરેક વખતે એક જ પેટર્ન, ભાજપ અને ચૂંટણી પંચ મળીને એક પાર્ટીને તોડે છે. ત્યારબાદ તેનું ચૂંટણી ચિહ્ન છીનવી લેવામાં આવે છે. જ્યારે આખેઆખી પાર્ટી ચોરી થઈ શકે છે, તો કરોડો ભારતીયોના મત ચોરી થવા એ પણ કોઈ આશ્ચર્યની વાત નથી. વોટ ચોરી. સરકાર ચોરી. હવે પાર્ટી ચોરી. આ આપણા લોકશાહીના પતનનું પ્રતીક બની ગયા છે.
ચૂંટણી પંચની બંધારણીય જવાબદારીઓ પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ચૂંટણી પંચનું કામ જનાદેશનું રક્ષણ કરવાનું છે, પરંતુ વાસ્તવિકતામાં એવા પરિબળોને સહયોગ મળી રહ્યો છે જે જનતાના નિર્ણયને પલટી નાખે છે. આ સંઘર્ષ માત્ર મમતા બેનરજી પૂરતો સીમિત નથી, પરંતુ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ ધરાવતા દેશના દરેક રાજકીય પક્ષ અને પ્રત્યેક મતદારનો સંઘર્ષ છે.
ભારતના ચૂંટણી પંચે લીધેલા વચગાળાના નિર્ણય અનુસાર તૃણમૂલ કોંગ્રેસના બંને પક્ષો માટે પાર્ટીનું સત્તાવાર ‘નામ’ અને ‘ચૂંટણી ચિહ્ન’ હાલ પૂરતું ફ્રીઝ કરી દેવાયું છે. જ્યાં સુધી આયોગ દ્વારા અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી મમતા બેનર્જી કે ઋતબ્રત બેનર્જી કોઈપણ ચૂંટણીમાં TMCનું નામ કે તેના પ્રતીકનો ઉપયોગ કરી શકશે નહીં.
એપ્રિલ મહિનામાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજયનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી સપાટી પર આવી ગઈ હતી. આ આંતરિક સંઘર્ષની શરૂઆત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પસંદ કરવાના મુદ્દે થઈ હતી. ત્યારબાદ TMCના 80 ધારાસભ્યોમાંથી અંદાજે 58 ધારાસભ્યો ઋતબ્રત બેનર્જીની આગેવાની હેઠળના બળવાખોર જૂથમાં સામેલ થઈ ગયા હતા. આ સંખ્યાબળ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ જરૂરી બે-તૃતીયાંશ બહુમતિ કરતાં વધારે હોવાથી પાર્ટી સ્પષ્ટપણે બે જૂથોમાં વહેંચાઈ ગઈ. બંને પક્ષો દ્વારા TMC અને તેના પ્રતીક પર અધિકારનો દાવો રજૂ કરાતાં આખરે ચૂંટણી પંચે આ વચગાળાનું પગલું ભરવું પડ્યું છે.










