સુરત વેલંજા: વેલંજા-સાયણ રોડ ઉપર આવેલી રામવાટીકા સોસાયટીમાં નૂતન પબ્લિક સ્કૂલમાં તા. 17 સપ્ટેમ્બર 2026ના રોજ ફાયર સેફ્ટી મોકડ્રિલ યોજાઈ હતી. જોકે સ્થળ પરથી વાયરલ થયેલ ફોટોગ્રાફ / વીડિયોગ્રાફ સામે ફાયર બ્રિગેડની ગાડી તથા એમ્બ્યુલન્સ શાળાના પ્રવેશદ્વાર અને આસપાસના માર્ગ સુધી પહોંચતી જોવા મળે છે, ત્યારે વાસ્તવિક આગ કે ગંભીર ઈમરજન્સીના સમયે મોટા ફાયર ટેન્કર અને એમ્બ્યુલન્સને શાળાની અંદર ઝડપથી અને અડચણ વિના પહોંચવા માટેની વ્યવસ્થા કેટલી વ્યવહારુ છે? તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

ફાયર મોકડ્રિલનો હેતુ માત્ર ફાયરબ્રિગેડની ગાડી ઊભી રાખવાનો નહીં, પરંતુ આપત્તિના સમયે બચાવદળ, ફાયર ટેન્ડર, એમ્બ્યુલન્સ અને વિદ્યાર્થીઓની સુરક્ષિત અવરજવર વાસ્તવમાં શક્ય છે કે નહીં તેની ચકાસણી કરવાનો હોવો જોઈએ!!
સુરત જિલ્લા પ્રશાસન પણ શાળા સ્તરની મોકડ્રિલને શાળા સલામતી અને આપત્તિ વ્યવસ્થાપનનો ભાગ ગણાવે છે.
ફોટો-વિડિયોએ આંખ ખોલી નાખતા ઉભા થયા અનેક સવાલો
મોકડ્રિલ દરમિયાન ફાયર બ્રિગેડની ગાડી શાળાની બહારના માર્ગ પર જોવા મળે છે, જ્યારે એમ્બ્યુલન્સ પણ પ્રવેશ વિસ્તાર સુધી આવતી જોવા મળે છે. જો વાસ્તવિક આગ વખતે ફાયર ટેન્કરને શાળાના બિલ્ડિંગની એકદમ નજીક પહોંચવું પડે, તો શું હાલનો પ્રવેશ માર્ગ અને ગેટ પૂરતી જગ્યા આપે છે?
આ સવાલનો જવાબ માત્ર મોકડ્રિલના ફોટા કે કાર્યક્રમથી નહીં, પરંતુ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર સાઇટ ઇન્સ્પેક્શન અને મંજૂર થયેલા ફાયર સેફ્ટી પ્લાન પરથી મળવો જોઈએ.
સુરત મહાનગરપાલિકા મુજબ Fire NOC પ્રક્રિયામાં સ્થળ પરની ફાયર-ફાઇટિંગ વ્યવસ્થાની તપાસ કરવામાં આવે છે અને વ્યવસ્થા નિયમસર હોવાનું સંતોષકારક રીતે જણાય ત્યારબાદ NOC આપવામાં આવે છે!?
ઉપરથી પસાર થતી વીજળી ની હેવી લાઈનો અંગે પણ તપાસ જરૂરી!! વીજ વિભાગ અને ફાયર વિભાગે સ્થળનું ટેકનિકલ નિરીક્ષણ કરવું જરૂરી બને છે.
જો ખરેખર હાઈ-ટેન્શન લાઈન શાળાના પરિસરમાં અથવા ફાયર ટેન્ડરની કામગીરીને અસર કરી શકે તેવી સ્થિતિમાં હોય, તો આગ સમયે પાણીનો મારો, ફાયર ટેન્ડરની સ્થિતિ અને બચાવ કામગીરી અંગેના જોખમોની સત્તાવાર ચકાસણી થવી જોઈએ!!
સુરત ની તક્ષશિલા અને રાજકોટ ગેમ ઝોન જેવી દુર્ઘટનાઓમાંથી પણ શીખશું કે નહીં?
સુરતના તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના દસ્તાવેજોમાં પણ તે ઘટનામાં બહાર નીકળવાના માર્ગ તથા આગ-ધુમાડાના જોખમનું ઉદાહરણ આપવામાં આવ્યું છે.
એટલે જ સવાલ સીધો છે—
મોકડ્રિલ પૂરી થઈ એટલે જવાબદારી પૂરી થઈ ગઈ? કે પછી મોકડ્રિલમાંથી સામે આવેલી દરેક વ્યવહારિક ખામીનું પણ નિરાકરણ કરાશે?
આ ઉપરાંત રાજકોટ ગેમ ઝોન જેવી દુર્ઘટનાઓ બાદ પણ આગ-સલામતી વ્યવસ્થાની વાસ્તવિક ચકાસણી અંગે પ્રશ્નો ઉઠ્યા છે. તેથી શાળાઓમાં માત્ર કાગળ પરની Fire NOC નહીં, પરંતુ આપત્તિના સમયે વાસ્તવમાં શું થશે તેની ચકાસણી વધુ મહત્વની બની જાય છે.!!
અધિકારીઓ સામે સીધા સવાલો??
1. નૂતન પબ્લિક સ્કૂલની હાલની Fire NOC કઈ તારીખ સુધી માન્ય છે?
2. છેલ્લી Fire Safety Inspection ક્યારે કરવામાં આવી હતી?
3. ફાયર વિભાગ પાસે શાળાનો મંજૂર Fire Safety Plan અને Emergency Access Plan છે?
4. મોટા ફાયર ટેન્ડરને શાળાના બિલ્ડિંગની નજીક સુધી પહોંચવા માટે પૂરતો અને સતત ખુલ્લો માર્ગ છે?
5. વાસ્તવિક આગ સમયે એકસાથે ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ કેવી રીતે અંદર પ્રવેશ કરશે?
6. શાળાની આસપાસ દેખાતી વીજ લાઈનોમાંથી કોઈ હાઈ-ટેન્શન લાઈન છે કે નહીં?
7. મોકડ્રિલ દરમિયાન આ તમામ બાબતોનું અધિકારીઓ દ્વારા લખિત નિરીક્ષણ કરવામાં આવ્યું કે માત્ર પ્રતીકાત્મક કવાયત કરવામાં આવી?
8. જો કોઈ ખામી મળી હોય તો તેના સુધારાની Action Taken Report ક્યાં છે?
“આગ લાગ્યા પછી રસ્તો શોધવા કરતાં આગ પહેલાં રસ્તો તૈયાર હોવો જોઈએ!” ??
વિદ્યાર્થીઓના જીવન સાથે જોડાયેલા આવા સંવેદનશીલ મામલામાં “બધું નિયમસર છે” એવો કાગળ પરનો જવાબ પૂરતો નથી. આગ લાગ્યા પછી ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલાં રસ્તો, ગેટ, ઈમરજન્સી એક્સેસ અને બચાવ વ્યવસ્થા જ અવરોધ બની જાય તો મોકડ્રિલનો મૂળ હેતુ જ પ્રશ્નાર્થ બને છે.
હવે સંબંધિત ફાયર અધિકારીઓ, શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રએ સ્થળનું નિષ્પક્ષ પુનઃનિરીક્ષણ કરી ઉપરોક્ત સવાલોના સ્પષ્ટ જવાબ જાહેર કરવા જોઈએ.
રિપોર્ટર : કલ્પેશ ધામેલીયા કામરેજ–સુરત









