તા.20/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


આણંદપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ; રૂ.1.88 લાખનો મુદ્દામાલ જપ્ત, સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા તેમજ એન.ડી.પી.એસ. સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની કડક સૂચનાથી એસ.ઓ.જી. શાખા દ્વારા નશાકારક પદાર્થોની હેરાફેરી સામે મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. એસ .ઓ. જી. શાખાના પીએસઆઈ ઝેડ.એલ. ઓડેદરા તથા તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઈસમ ગેરકાયદેસર સુકા ગાંજાના જથ્થા સાથે પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી મગનભાઈ પાંચાભાઈ રોજાસરા રહે. રાજપરા, ચોટીલા, નામના શંકાસ્પદ ઈસમને ઝડપી લીધો હતો. કુલ રૂ. ૧,૮૮,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપીની તલાશી લેતાં તેના કબજામાંથી ૦૩ કિલો ૭૭૦ ગ્રામ ગેરકાયદેસર સુકો ગાંજો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય/બજાર કિંમત મુજબ જપ્ત કરાયેલા સુકા ગાંજાની કિંમત રૂ. ૧,૮૮,૫૦૦ આંકવામાં આવી છે. એસ.ઓ.જી. ટીમે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીની કાયદેસર અટકાયત કરી છે. આણંદપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર આ અંગે આણંદપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપી મગનભાઈ રોજાસરા વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ નશાકારક પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.










