MORBI:ખાનગી શાળાઓના પડતર પ્રશ્નો અંગે મોરબી DEO કચેરીએ આવેદનપત્ર: FRC અને RTEના નિયમોમાં સરળીકરણની માંગ

MORBI:ખાનગી શાળાઓના પડતર પ્રશ્નો અંગે મોરબી DEO કચેરીએ આવેદનપત્ર: FRC અને RTEના નિયમોમાં સરળીકરણની માંગ

મોરબી:ગુજરાત રાજ્યની ૧૭,૦૦૦ કરતાં પણ વધુ સ્વનિર્ભર (ખાનગી) શાળાઓના પડતર પ્રશ્નોના કાયમી નિરાકરણની માંગ સાથે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી ખાતે એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે ૬૦ ટકાથી વધુ ફાળો આપતી ખાનગી શાળાઓના સંચાલકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો સરકાર દ્વારા વહેલી તકે સકારાત્મક ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, રાજ્યભરની સ્વનિર્ભર શાળાઓમાં આશરે ૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ૭ લાખથી વધુ શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક સ્ટાફ કાર્યરત છે. શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નો વણઉકેલાયેલા રહ્યા હોવાથી સંચાલક મંડળ દ્વારા મુખ્ય ચાર માંગણીઓ મૂકવામાં આવી છે:

FRC પ્રક્રિયાનું સરળીકરણ: દર વર્ષે મંજૂર થયેલી ફીમાં ૧૦% કે તેથી ઓછો વધારો કરતી શાળાઓને દરખાસ્ત કે સોગંદનામાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ આપી સીધી મંજૂરી આપવી, જેથી રાજ્યની ૯૦% શાળાઓ તેમજ કચેરીનું વહીવટી ભારણ ઘટે.

RTE હેઠળ બાકી ફી ચૂકવણી: હાઇકોર્ટના માર્ગદર્શન મુજબ FRC મંજૂર ફી અથવા સરકારી શાળામાં વિદ્યાર્થીદીઠ થતા ખર્ચ મુજબ વાજબી રકમની નિયમિત ચૂકવણી કરવી.

શાળાઓની સ્વાયત્તતામાં દખલગીરી બંધ કરવી: નવીન શિક્ષણ સુધારા વિધેયકમાં સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓની નિમણૂક કે છૂટા કરવા અંગે લાદવામાં આવેલી સરકારી મંજૂરીની જોગવાઈ દૂર કરી શાળાઓની સ્વાયત્તતા જાળવવી.

વહીવટી સરળતા અને કોમન પોર્ટલ: સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે એકસરખા પરિપત્રો કરવાને બદલે સ્વનિર્ભર શાળાઓ માટે સ્પષ્ટ નિયમો બનાવવા તેમજ વારંવાર માહિતી માંગવાને બદલે એક ‘કોમન પોર્ટલ’ તૈયાર કરવું.

સંચાલકોએ જિલ્લા શિક્ષણાધિકારી મારફતે આ રજૂઆત ઉચ્ચ કક્ષાએ પહોંચાડી ઝડપી ઉકેલ લાવવા અપીલ કરી છે. જો લાંબા સમયથી લટકેલા આ પ્રશ્નોનો અંત નહીં આવે તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલનાત્મક પગલાં ભરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો