તા.૨૧.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ રેલ્વે પોલીસની સરાહનીય કામગીરી: મધ્ય પ્રદેશના ઝાબુઆથી ગુમ થયેલા વૃદ્ધને દહેરાદૂન એક્સપ્રેસમાંથી સહીસલામત બચાવી લેવાયા
મધ્ય પ્રદેશના ઝાબુઆ ખાતેથી ગુમ/અપહૃત થયેલા એક પ્રોઢને દાહોદ રેલ્વે પોલીસે (GRP) ત્વરિત અને સચોટ કાર્યવાહી કરીને ટ્રેનમાંથી સહીસલામત શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી છે. ઝાબુઆ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૪૦(૩) હેઠળ નોંધાયેલા ગુનાના ભોગ બનનારને રેલ્વે પોલીસે ગણતરીની મિનિટોમાં જ ટ્રેનમાંથી રેસ્ક્યૂ કર્યા હતા.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પશ્ચિમ રેલ્વે વડોદરાના પોલીસ અધીક્ષક અભય સોની તથા નાયબ પોલીસ અધીક્ષક જી.એસ. બારીયાના માર્ગદર્શન હેઠળ દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.બી. રાઠોડ અને તેમની સરપ્રાઈઝ ચેકિંગ/સર્વેલન્સ ટીમ દાહોદ રેલ્વે સ્ટેશન પર વોચમાં હતી. આ દરમિયાન પોલીસ ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી કે, ઝાબુઆ (મધ્ય પ્રદેશ) પોલીસ મથકના એફ.આઈ.આર. નંબર ૦૯૦૨/૨૦૨૬ ના ગુનામાં ભોગ બનનાર ૫૯ વર્ષીય જાકીર હુસૈન મોહમ્મદ હુસૈન કુરૈશી (રહે. મારુતી નગર, ઝાબુઆ) દહેરાદૂન એક્સપ્રેસ (ટ્રેન નં. ૧૯૦૨૦) ના પાછળના ભાગે આવેલા જનરલ ડબ્બામાં મુસાફરી કરી રહ્યા છે.બાતમી મળતા જ રેલ્વે પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને જેવી દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેન દાહોદ સ્ટેશને આવી કે તુરંત જ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે બાતમીવાળા જનરલ કોચમાં તપાસ કરીને ભોગ બનનાર જાકીર હુસૈનને સુરક્ષિત રીતે શોધી કાઢી ટ્રેનમાંથી નીચે ઉતાર્યા હતા.આ સફળ ઓપરેશન બાદ દાહોદ રેલ્વે પોલીસે તુરંત જ ભોગ બનનારના પરિવારજનો અને ઝાબુઆ પોલીસને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ ઝાબુઆ પોલીસની ટીમ તાત્કાલિક દાહોદ દોડી આવી હતી, જ્યાં દાહોદ રેલ્વે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ભોગ બનનાર વૃદ્ધનો કબ્જો ઝાબુઆ પોલીસને સોંપ્યો હતો. રેલ્વે પોલીસની આ ત્વરિત અને સતર્ક કામગીરીને કારણે એક ગુમ થયેલા નાગરિકને હેમખેમ બચાવી શકાયા છે, જેની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.










