પીપોદરા, માંગરોળ: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામમાં સ્વચ્છતા વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી રહી હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. ગામમાં ઠેર-ઠેર કચરાના ઢગલા સાથે ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં ગટરનું પાણી બહાર કાઢવા માટે મોટી ગટર હોવા છતાં યોગ્ય નિકાલ ન થવાના કારણે ગંદુ પાણી રોડ પર જમા થઈ રહે છે. સતત ઉભા રહેતા ગંદા પાણીમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાતી હોવાના કારણે રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓ પરેશાન છે. ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગટરનું પાણી રોડ પર, લોકોના આરોગ્ય સામે સવાલ!
રોડ પર લાંબા સમય સુધી ગંદુ પાણી ભરાયેલું રહેતા મચ્છરજન્ય રોગો અને અન્ય આરોગ્યલક્ષી સમસ્યાઓનું જોખમ ઊભું થઈ શકે તેવી ચિંતા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. રસ્તો વાહનવ્યવહાર માટે છે કે ગટરના પાણી માટે? તેવો કટાક્ષ પણ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે.
વધુમાં, કેટલાક ગ્રામજનો દ્વારા એવો પણ ગંભીર દાવો કરવામાં આવી રહ્યો છે કે ગટર ઉપર દબાણ કરી બાંધકામો અને મકાનો ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે ગટરના પાણીના કુદરતી નિકાલમાં અડચણ ઊભી થતી હોવાની આશંકા છે. જોકે આ દાવાની સત્તાવાર તપાસ થવી જરૂરી છે.
પંચાયતની કામગીરી સામે ઉઠ્યા સવાલો
એક તરફ ગામમાં કચરાના ઢગલા અને બીજી તરફ રોડ પર વહેતું ગંદુ પાણી—આવી સ્થિતિ વચ્ચે ગ્રામજનો હવે સવાલ કરી રહ્યા છે કે સ્વચ્છતા અને ગટર વ્યવસ્થાની જવાબદારી કોની?
જો મોટી ગટર હોવા છતાં પાણી રોડ પર જ ભરાઈ રહેતું હોય તો ગટર વ્યવસ્થાની યોગ્ય સફાઈ અને જાળવણી થાય છે કે નહીં તેની તપાસ જરૂરી બની છે. સાથે જ ગટર ઉપર થયેલા કહેવાતા દબાણોની પણ સત્તાવાર માપણી અને તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.
ગ્રામજનોની માંગ છે કે સંબંધિત અધિકારીઓ પીપોદરા ગામની સ્થળ તપાસ કરી કચરો, ગટરનું પાણી, ગટર ઉપરના સંભવિત દબાણો અને સ્વચ્છતા વ્યવસ્થાની સમગ્ર હકીકત બહાર લાવે. માત્ર કાગળ પરની કાર્યવાહી નહીં, પરંતુ સ્થળ પર દેખાય તેવી કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
હવે જોવાનું એ રહ્યું કે પીપોદરાની આ ગંભીર સમસ્યા અંગે જવાબદાર તંત્ર ક્યારે જાગે છે અને ગંદકી-ગટરથી પરેશાન ગ્રામજનોને ક્યારે કાયમી રાહત મળે છે.
રિપોટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત










