વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

GVP પોઈન્ટ પર સ્વચ્છતા જાળવવા CCTVની શક્યતા ચકાસવા અને બેદરકારી સામે દંડાત્મક કાર્યવાહી કરવા સૂચના
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા, જાહેર સુવિધાઓ અને શહેરી માળખાકીય કામગીરીને વધુ સુદૃઢ બનાવવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની ફીલ્ડ વિઝિટ કરી કામગીરીની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી.
ફીલ્ડ વિઝિટ દરમિયાન વોર્ડ નં. ૧માં જનતા હાઈસ્કૂલ પાસે, નવો મોહલ્લો-ઘેલખડી, વોર્ડ નં. ૨માં ગોલ્ડી સોલાર પાસે, વોર્ડ નં. ૩માં ઠક્કરબાપા વાસ પાસે, વોર્ડ નં. ૪માં માતા ફળિયા-કાશીવાડી તથા રીંગ રોડ ટ્રસ્ટ પાસે અને વોર્ડ નં. ૭માં મહાનગરપાલિકા કચેરી પાછળના વિસ્તારમાં ચાલી રહેલી બ્લોક પેવિંગની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કમિશનરે કામગીરીની પ્રગતિ, પેવર બ્લોક તથા કર્બની જરૂરિયાત, ગુણવત્તા અને નાગરિકોને પડતી સુવિધાઓ અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. જરૂરી સ્થળોએ પેવર બ્લોકની કામગીરી ઝડપથી અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવા તેમજ નાગરિકોને અવરજવરમાં અગવડ ન પડે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરના વિવિધ GVP (Garbage Vulnerable Points) ની પણ સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. જ્યાં વારંવાર કચરો એકત્ર થતો હોય તેવા સ્થળોએ સતત દેખરેખ રાખવા, સ્વચ્છતા જાળવવા તથા જરૂરી સ્થળોએ પ્લાન્ટેશન અને ટ્રી-ગાર્ડ લગાવી સ્થળને વધુ સુવ્યવસ્થિત બનાવવાની સૂચના આપવામાં આવી હતી.
કચરો નાખવાની સમસ્યા ધરાવતા સ્થળોએ CCTV કેમેરા લગાવવાની શક્યતા ચકાસી જરૂરી કાર્યવાહી કરવા તથા નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
આ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ ઇજનેર, આરોગ્ય વિભાગના અધિકારીઓ, સંબંધિત વોર્ડના SI/SSI,
સુપરવાઈઝરો સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનરે તમામ અધિકારીઓને પોતાના વિસ્તારમાં કામગીરીનું નિયમિત સ્થળ નિરીક્ષણ કરી ખામીઓ જણાય તો તાત્કાલિક સુધારણા કરાવવા અને નાગરિકોને સ્વચ્છ, સુઘડ તથા ગુણવત્તાયુક્ત જાહેર સુવિધાઓ મળી રહે તે માટે સંકલિત કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.










