વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ગરબા સ્થળોએ પોલીસ બંદોબસ્ત વધારવા સહિત 9 મુદ્દે નવસારી કલેક્ટરને રજૂઆત
નવસારી: આગામી નવરાત્રી મહોત્સવને લઈને નવસારી જિલ્લામાં ગરબા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો દરમિયાન મહિલાઓ તથા યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં ગરબા સ્થળોએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મહિલાઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગરબા તથા ધાર્મિક કાર્યક્રમોમાં જોડાય છે. આ દરમિયાન કોઈ અસામાજિક તત્વો દ્વારા મહિલાઓને પરેશાન કરવામાં ન આવે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અગાઉથી જરૂરી પોલીસ વ્યવસ્થા ગોઠવવાની માંગ કરાઈ છે.
રજૂઆતના મુખ્ય મુદ્દાઓ
- ગરબા સ્થળોએ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવું.
- ગરબા સ્થળોએ પ્રવેશ વ્યવસ્થા, ઓળખ ચકાસણી તથા આયોજકો દ્વારા નક્કી કરાયેલા નિયમોનું કડક પાલન કરાવવું.
- મહિલાઓની છેડતી, પીછો કરવો કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી.
- નવરાત્રી દરમિયાન અન્ય જિલ્લામાંથી આવતા લોકો તથા વિધર્મીઓના નામે ખોટી ઓળખ બનાવી પ્રવેશ મેળવવાના પ્રયાસોને અટકાવવા યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે.
- ગરબા સ્થળોએ CCTV કેમેરા, મહિલા પોલીસ કર્મચારીઓ અને પૂરતી પોલીસ વ્યવસ્થા રાખવાની માંગ કરાઈ છે.
- ગરબા આયોજકોને મહિલાઓની સુરક્ષા માટે ખાસ સૂચનાઓ આપી શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવવું.
- સોશિયલ મીડિયા મારફતે ગરબા સ્થળોની માહિતીનો દુરુપયોગ કરી કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય તેની તકેદારી રાખવી.
- કોઈ વ્યક્તિ કાયદા-નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી.
- ધાર્મિક કાર્યક્રમોના નામે છેતરપિંડી, અનૈતિક વેપાર પ્રવૃત્તિ અથવા મહિલાઓને લગતી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળે જણાવ્યું છે કે નવરાત્રી મહોત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં યોજાય તથા મહિલાઓ અને યુવતીઓ નિર્ભયતાથી ગરબામાં ભાગ લઈ શકે, તે માટે તંત્ર દ્વારા આગોતરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.
નવરાત્રી પૂર્વે જ 9 મુદ્દાની રજૂઆત થતાં હવે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આ બાબતે શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર રહેશે.









