તારીખ ૨૪/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરના ગાંધી ફળિયા ખાતે આવેલ ગાંધી ફળિયા યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત શ્રીજીના ચરણોમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગણપતિ દાદાને ૫૬ ભોગનો થાળ ધરાવી ભવ્ય અન્નકૂટ અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. તેમજ કાછીયાવાડ ખાતે ‘કાલોલના મહારાજા’ તરીકે પ્રખ્યાત ગણપતિ મંડળ (કાછીયાવાડ યુવક મંડળ) દ્વારા ગણેશોત્સવ દરમિયાન શ્રીજીના ચરણોમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.અન્નકૂટ ઉત્સવ પ્રસંગે ગણપતિ દાદાને વિવિધ પ્રકારની વાનગીઓ અને મિષ્ટાન ધરાવી આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાદાના ભવ્ય અન્નકૂટ દર્શન અને મહાઆરતીનો લાભ લેવા માટે કાલોલ નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ગણેશ ભક્તોનું વિશાળ ટોળું ઉમટી પડ્યું હતું. દર્શનાર્થીઓની ભારે ભીડને પગલે સમગ્ર કાછીયાવાડ અને ગાંધી ફળિયા વિસ્તાર “ગણપતિ બાપ્પા મોરિયા”ના જયઘોષ સાથે ભક્તિમય માહોલમાં ગુંજી ઊઠ્યો હતો.










