વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

સરકારી યોજનાઓનો લાભ છેવાડાના સાચા લાભાર્થી સુધી પહોંચાડવા તંત્રનો પ્રયાસ
વાંસદા તાલુકાના ચોરવણી ગામે તાલુકા વહીવટી તંત્ર દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમનું આયોજનકરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના 25 વર્ષના જનસેવા કાર્યની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના એક પણ પાત્ર લાભાર્થી સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. એક જ સ્થળે અનેક સરકારી સેવાઓની સુવિધા
સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ, સહાય અને સેવાઓ અંગે સ્થળ પર જ માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા વ્યક્તિગત પ્રશ્નો અને સમસ્યાઓને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમમાં વાંસદા તાલુકા સંગઠન ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સભ્ય, ચોરવણી ગ્રામ પંચાયતના સરપંચ, નિર્પણ ગ્રામ પંચાયતના સરપંચ તથા મોળાઆંબા ગ્રામ પંચાયતના સરપંચ સહિત આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામજનોની રજૂઆતો સાંભળી તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના
ઉપસ્થિત આગેવાનોએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમની વિવિધ સમસ્યાઓ અને રજૂઆતો જાણી હતી. રજૂઆતો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
કાર્યક્રમ સ્થળે વિવિધ સરકારી વિભાગો દ્વારા અલગ-અલગ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં ગ્રામજનોને કલ્યાણકારી યોજનાઓ, સરકારી સેવાઓ, સહાય તેમજ તેનો લાભ મેળવવાની પ્રક્રિયા અંગે સમજ આપવામાં આવી હતી.
‘સરકારની સેવા ગામના દ્વારે’નો અનુભવ
એક જ સ્થળે વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓની માહિતી તથા માર્ગદર્શન મળતા ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આયોજકો દ્વારા પાત્ર લાભાર્થીઓને જરૂરી દસ્તાવેજો સાથે સરકારી યોજનાઓનો લાભ લેવા અને સરકારી કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી.
ચોરવણી ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમને ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.









