વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
૭ વર્ષની ઉંમરે દ્રષ્ટિ ગુમાવનાર પદમાબેન અને રિક્ષા ચલાવતા દિવ્યાંગ પતિના પરિવારને સરકારી સહાયથી મળ્યું નવજીવન
ભુજ, તા-૨૫ સપ્ટેમ્બર : ગરીબ, વંચિત અને દિવ્યાંગ પરિવારો માટે આયુષ્માન ભારત યોજના ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માનકુવા ગામના દિવ્યાંગ દંપતીની હૃદયસ્પર્શી કહાનીમાં સરકારી આયુષ્માન યોજના અને આરોગ્ય કર્મીઓની માનવતા મસીહા બનીને આવી છે.માનકુવા ગામના ૪૯ વર્ષીય પદમાબેન મનુભાઈ સોલંકી જન્મજાત નહીં પરંતુ ૭ વર્ષની ઉંમરે બીમારીના કારણે પોતાની બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી બેઠા હતા અને સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ છે. તેમના પતિ મનુભાઈ સોલંકી પણ દિવ્યાંગ છે અને રીક્ષા ચલાવીને માંડ-માંડ પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની દીકરી હાલ ધોરણ ૧૨ માં અભ્યાસ કરે છે. આવા સંઘર્ષ વચ્ચે જીવન જીવતા પરિવાર પર ત્યારે આભ તૂટી પડ્યું જ્યારે પદમાબેનને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાએ ઘેરી લીધા.
છેલ્લા કેટલાક દિવસોથી તેમના ડાબા હાથમાં અસહ્ય દુખાવો થતો હતો અને ધીમે-ધીમે હાથની આંગળીઓ કાળી પડી રહી હતી. તબીબી તપાસમાં સામે આવ્યું કે તેમના ડાબા હાથની મુખ્ય ધમનીમાં બ્લોકેજ (Left Subclavian Artery Stenosis) હતું, જેના કારણે લોહીનું પરિભ્રમણ અટકી ગયું હતું. તબીબોએ સ્પષ્ટ કહ્યું હતું કે જો તાત્કાલિક એન્જીયોપ્લાસ્ટી/સ્ટેન્ટિંગ ન કરવામાં આવે તો તેમનો હાથ કાપવો પડી શકે છે. દિવ્યાંગ દંપતી માટે ખાનગી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો લાખોનો ખર્ચ કલ્પના બહાર હતો. આવા કપરા સમયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) કોડકી હેઠળના માનકુવા-૧ સબ સેન્ટરના આરોગ્ય સ્ટાફની સજાગતા આશાનું કિરણ બનીને આવી. સબ સેન્ટર સ્ટાફે આ દિવ્યાંગ દંપતીની પરિસ્થિતિની ગંભીરતા સમજીને માનવતાના ધોરણે તાત્કાલિક પદમાબેનનું આયુષ્માન કાર્ડ (PM-JAY) કાઢી આપ્યું અને તેમને સમયસર હોસ્પિટલમાં દાખલ થવા માટેનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું.આયુષ્માન કાર્ડ ઉપલબ્ધ થતાં જ પદમાબેનને ભુજ સ્થિત કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા. જ્યાં નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક સબક્લેવિયન આર્ટરી સ્ટેન્ટિંગ (એન્જીયોપ્લાસ્ટી) કરવામાં આવી. આયુષ્માન યોજના હેઠળ આ મોંઘી અને જટિલ સારવાર દર્દીને સંપૂર્ણપણે વિનામૂલ્યે મળી હતી. સફળ ઓપરેશન બાદ પદમાબેનના હાથનું લોહીનું પરિભ્રમણ સામાન્ય થઈ ગયું અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે.પોતાની લાગણી વ્યક્ત કરતા પદમાબેન અને મનુભાઈએ કહ્યું હતું કે, “અમે બંને દિવ્યાંગ છીએ, હું ૭ વર્ષની હતી ત્યારથી જોઈ શકતી નથી, પતિ રીક્ષા ચલાવીને માંડ ઘર ચલાવે છે અને દીકરી ધો.૧૨ માં ભણે છે. આવા સમયે આવી મોટી બીમારીનો ખર્ચ અમારા માટે ક્યારેય શક્ય ન હતો. સમયસર સહાય મળી રહી તે બદલ વડાપ્રધાનશ્રીનો તથા PHC કોડકી, માનકુવા-૧ સબ સેન્ટરના કર્મચારીનો અમે દિલથી આભાર માનીએ છીએ.”આમ, આરોગ્ય વિભાગના પાયાના કર્મચારીઓની સંવેદનશીલતા અને સરકારની કલ્યાણકારી યોજનાના સમન્વયથી આજે એક દિવ્યાંગ બહેનનો હાથ અને એક આખા પરિવારનું જીવન બંને સુરક્ષિત બન્યું છે.












