વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
‘
ભ્રષ્ટાચારનું ભોરિંગ’ કોના આશીર્વાદથી? ખરીદી પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસની માંગ
ડાંગ જિલ્લાના એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં અંદાજે ₹1.50 કરોડની ફર્નિચર ખરીદીમાં કથિત ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સામે આવતાં સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ખરીદી પ્રક્રિયા, ટેન્ડર-કોટેશન, ભાવ નક્કી કરવાની પદ્ધતિ, સપ્લાયર/એજન્સીની પસંદગી તેમજ ફર્નિચરની ગુણવત્તા અને વાસ્તવિક કિંમત અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
આ મામલે સમસ્ત આદિવાસી સમાજના આગેવાન ડો. નિરવભાઈ પટેલે ડાંગ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. રજૂઆતમાં સ્પષ્ટપણે સમગ્ર ખરીદીની વિભાગીય તથા નાણાકીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
કાગળ પર ખરીદી કે ખરેખર માલ?
ફર્નિચર જેટલા જથ્થામાં અને જે ગુણવત્તામાં ખરીદાયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે, તેની સ્થળ પર ભૌતિક ચકાસણી કરવાની માંગ ઉઠી છે. સાથે જ બજાર કિંમતની સરખામણીમાં ચૂકવાયેલા ભાવનું સ્વતંત્ર ઓડિટ અને ટેક્નિકલ વેરિફિકેશન કરાવવાની પણ માંગ કરવામાં આવી છે.
ટેન્ડરથી બિલ સુધી—દરેક કડી તપાસવાના સવાલો
રજૂઆતમાં ટેન્ડર, કોટેશન, વર્ક ઓર્ડર, સપ્લાયર પસંદગી, બિલ, ચુકવણી, GST બિલ અને સ્ટોક રજિસ્ટર સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવાની માંગ છે. એટલે હવે સવાલ માત્ર ફર્નિચર ખરીદીનો નથી, પરંતુ સમગ્ર ખરીદી પ્રક્રિયા નિયમસર થઈ હતી કે નહીં? તે તપાસનો છે.
સરકારી નાણાંના ઉપયોગમાં ગેરરીતિ સાબિત થાય તો જવાબદારી કોની?
ફરિયાદમાં જો તપાસ દરમિયાન નિયમવિરુદ્ધ ખરીદી, ખોટા દસ્તાવેજો, ભાવમાં કૃત્રિમ વધારો અથવા સરકારી નાણાંના દુરુપયોગ જેવી ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ, સપ્લાયરો અને સંકળાયેલી એજન્સીઓ સામે કાયદેસર તથા વિભાગીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ગેરરીતિમાં સંડોવણી સાબિત થાય તો સપ્લાયર/એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની પણ માંગ છે.
આદિવાસી વિદ્યાર્થીઓ માટે ફાળવાતા સરકારી નાણાંના એક-એક રૂપિયાનો હિસાબ પારદર્શક રહે તે જરૂરી છે. તેથી સમગ્ર મામલાની તપાસ કરી સત્ય બહાર લાવવાની અને જો સરકારી નાણાંનું નુકસાન થયું હોય તો જવાબદારો પાસેથી વસૂલાત કરવાની માંગ ઉઠી છે.
હવે તંત્રની કસોટી
₹1.50 કરોડ જેવી મોટી ખરીદી સામે ઉઠેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થશે? ખરીદીના દસ્તાવેજો જાહેર થશે? બજાર કિંમત અને ચૂકવાયેલા ભાવ વચ્ચે કોઈ મોટો તફાવત છે કે નહીં? ફર્નિચરની ગુણવત્તા અને જથ્થાની સ્થળ તપાસ થશે?









