આંગણ મિલન સેવા–૨૦૨૬’ અંતર્ગત ભુજના મહાદેવનગર આંગણવાડી કેન્દ્ર ખાતે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ, તા-૨૫ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગ દ્વારા આયોજિત ‘આંગણ મિલન સેવા–૨૦૨૬’ અંતર્ગત આજ રોજ ભુજ ઘટક–૧ ના ભુજ–૩ સેજાના મહાદેવનગર આંગણવાડી કેન્દ્ર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, ભુજ સીડીપીઓ સહિત સમગ્ર ICDS ટીમ, આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનો, આશા વર્કર્સ, બાળકો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન આંગણવાડી ખાતે બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ, આરોગ્ય, પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેમજ શૈક્ષણિક અને સર્જનાત્મક ક્ષમતાઓને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડી કેન્દ્રની સુવિધાઓ અને કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી બાળકો તથા વાલીઓ સાથે સહજ સંવાદ સાધ્યો હતો.

ત્રણ તંદુરસ્ત બાળકો અને તેમના વાલીઓને ખાસ ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેન, તેડાગર બહેન અને આશા વર્કર બહેનોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિ પત્ર આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.કેન્દ્ર ખાતે કિશોરીઓ, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને ‘ટેક હોમ રાશન’ (THR) નું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ઉપસ્થિત વાલીઓ અને કિશોરીઓને માનનીય મુખ્યમંત્રી દ્વારા પાઠવવામાં આવેલ શુભેચ્છા સંદેશ આપવામાં આવેલ. ‘આંગણ ઉત્સવ–૨૦૨૬’નો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોને વધુ બાળમૈત્રીપૂર્ણ, સુવિધાસભર અને વિકાસલક્ષી બનાવવાની સાથે બાળકોના સર્વાંગી વિકાસમાં વાલીઓ અને સમુદાયની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ તકે સ્થાનિકોમાં ICDS દ્વારા અપાતી વિવિધ સેવાઓ અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી.કાર્યક્રમના સમાપને મહાનુભાવો દ્વારા આંગણવાડી કેન્દ્રની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા અને સરકારની બાળ વિકાસ તથા પોષણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી અસરકારક રીતે પહોંચાડવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો