રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ, 25 સપ્ટેમ્બર:
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ વિભાગો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB), સેન્ટ્રલ બ્યૂરો ઑફ કોમ્યુનિકેશન (CBC) અને ડિરેક્ટોરેટ ઑફ પબ્લિકેશન્સ ડિવિઝન (DPD) દ્વારા સફાઈકર્મીઓના અથક પરિશ્રમ અને મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા સફાઈકર્મીઓનું PIB અમદાવાદના ADG સિદ્ધાર્થ બોડકે તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સફાઈકર્મીઓ દ્વારા સ્વચ્છતા જાળવવામાં આપવામાં આવતા મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન સફાઈકર્મીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સફાઈકર્મીઓને મેડિકલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સફાઈ મિત્રોની સુરક્ષા, સ્વાસ્થ્ય અને સન્માનને પ્રાથમિકતા આપવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવામાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂકતાં ADG સિદ્ધાર્થ બોડકેએ જણાવ્યું હતું કે, “સ્વચ્છતા જાળવવી એ માત્ર સફાઈકર્મીઓની જવાબદારી નથી, પરંતુ સમાજના દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. આ માટે આપણે વ્યક્તિગત અને સામૂહિક બંને સ્તરે આપણી આદતોમાં પરિવર્તન લાવવું પડશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કચરાને યોગ્ય રીતે અલગ તારવવો, જાહેર સ્થળોએ ન થૂંકવું અને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવો જેવી બાબતો સ્વચ્છતા જાળવવા માટે અત્યંત જરૂરી છે. તેમણે સફાઈકર્મીઓના યોગદાનને ક્યારેય મામૂલી ન ગણવા અને તેમના પરિશ્રમનું સન્માન કરવાની અપીલ કરી હતી.
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જનભાગીદારી વધારવા તેમજ સ્વચ્છતાકર્મીઓના મહત્વપૂર્ણ યોગદાનને યોગ્ય સન્માન આપવાનો છે. આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છ ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં ‘શ્રમયોગીઓનું સન્માન, સ્વચ્છતાનો સંકલ્પ’નો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વચ્છતા જાળવવા માટે સક્રિય સહભાગી બનવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમ દ્વારા સફાઈકર્મીઓના સન્માન સાથે સમાજના દરેક નાગરિકને સ્વચ્છતા પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.










