મોરબી તાલુકા પંચાયતમાં ‘પતિરાજ’: મહિલા પ્રમુખની જગ્યાએ પતિની સરકારી કાર્યક્રમોમાં હાજરીથી ઉઠીયા સવાલો

મોરબી:સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યથી અપાયેલી અનામત વ્યવસ્થા સામે ફરી એકવાર ‘પતિરાજ’નો કિસ્સો સામે આવતા ભારે ચર્ચા જાગી છે. મોરબી તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ તુલસીબેન મારવણીયાની ગેરહાજરી વચ્ચે તેમના પતિ સરકારી અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી અધ્યક્ષસ્થાન સંભાળતા હોવાની વિગતો અને તસવીરો સામે આવતા વહીવટી વર્તુળોમાં પ્રશ્નો ઉભા થયા છે.
ચૂંટાયેલા પદની સત્તા પરિવારને સોંપી શકાય?
મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તુલસીબેન કેતનભાઈ મારવણીયા કાર્યરત છે. સ્થાનિક સ્તરે ચાલતી ચર્ચાઓ અને પુરાવાઓ મુજબ, તાલુકા પંચાયત સંબંધિત અનેક સત્તાવાર અને જાહેર કાર્યક્રમોમાં મહિલા પ્રમુખની જગ્યાએ તેમના પતિ કેતનભાઈ મારવણીયા અગ્રણી ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે.
સામાજિક સ્તરે પારિવારિક હાજરી સામાન્ય હોઈ શકે, પરંતુ બંધારણીય હોદ્દા સાથે જોડાયેલી સત્તા, અધ્યક્ષતા કે વહીવટી પ્રતિનિધિત્વ કોઈ બિન-ચૂંટાયેલી વ્યક્તિ દ્વારા કરવામાં આવે ત્યારે કાયદાકીય પ્રશ્ન ખડો થાય છે.
કાયદાકીય જોગવાઈઓ શું કહે છે?
પંચાયતી રાજ અધિનિયમ હેઠળ તાલુકા પંચાયત પ્રમુખનું પદ એ બંધારણીય અને ચૂંટાયેલો હોદ્દો છે:
વ્યક્તિગત સત્તા: ચૂંટાયેલા પ્રતિનિધિને મળેલી સત્તા તેમના પતિ કે પરિવારના અન્ય સભ્યને આપમેળે મળતી નથી
.
ગેરહાજરીની જોગવાઈ: જો પ્રમુખ કોઈ કારણસર પોતાની ફરજ બજાવવામાં અસમર્થ હોય, તો કાયદા મુજબ ઉપપ્રમુખ અથવા નિયત પ્રક્રિયા હેઠળ નિયુક્ત સક્ષમ સત્તાધિકારી જ સત્તા સંભાળી શકે છે.
અનૌપચારિક પ્રતિનિધિત્વ અમાન્ય: કાયદામાં પરિવારના સભ્ય દ્વારા સત્તાવાર પ્રતિનિધિત્વ કે અધ્યક્ષતા કરવાની કોઈ માન્ય જોગવાઈ નથી.
વહીવટી તંત્ર સામે ઉઠતા વેધક સવાલો
મહિલા પ્રમુખની જગ્યાએ તેમના પતિ કયા કાયદાકીય પ્રાવધાન કે લેખિત અધિકૃતતા હેઠળ સરકારી મંચ પર હાજરી આપતા હતા?
શું આવી બેઠકો કે કાર્યક્રમો દરમિયાન કોઈ સત્તાવાર નિર્ણય, ઠરાવ કે વહીવટી મંજૂરીઓ આપવામાં આવી છે?
સરકારી પ્રોટોકોલનું ઉલ્લંઘન થતું હોવા છતાં જવાબદાર અધિકારીઓએ મૌન કેમ સેવ્યું?
મહિલા અનામતનો મૂળ ઉદ્દેશ્ય મહિલાઓને નિર્ણાયક સત્તા સોંપવાનો છે, નહીં કે માત્ર નામ પૂરતો હોદ્દો આપી સત્તાની દોરી અન્ય કોઈના હાથમાં રાખવાનો. મોરબી તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્ર આ મામલે યોગ્ય તપાસ કરી સ્થિતિ સ્પષ્ટ કરે તેવી માંગ ઉઠી રહી છે.












