મહેસાણાના ‘પ્રોજેક્ટ પાથ’નો દેશભરમાં ડંકો
રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ વેબિનારમાં મહેસાણા મોડેલની સફળતાનું પ્રસ્તુતીકરણ; શિક્ષણ ક્ષેત્રે પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા પ્રોજેક્ટની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ

વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત બનાવવા માટે અમલમાં મુકાયેલા **‘પ્રોજેક્ટ પાથ’ (Project PATHA–Samagra Shiksha)**ની સફળતાનો દેશભરમાં ડંકો વાગ્યો છે. ભારત સરકારના વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ (DARPG), નવી દિલ્હી દ્વારા આયોજિત ૪૦મા રાષ્ટ્રીય ‘ગુડ ગવર્નન્સ વેબિનાર’માં સમગ્ર દેશમાંથી માત્ર મહેસાણા જિલ્લાના આ સફળ શૈક્ષણિક મોડેલનું પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હીના સરદાર પટેલ ભવનથી યોજાયેલા વીડિયો કોન્ફરન્સિંગ કાર્યક્રમનો હેતુ પ્રધાનમંત્રી એવોર્ડથી સન્માનિત પ્રકલ્પોની સતત અસરકારકતા તેમજ અન્ય વિસ્તારોમાં તેના અમલની શક્યતાઓ ચકાસવાનો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ને અનુરૂપ મહેસાણામાં વર્ષ ૨૦૨૦-૨૧થી અમલમાં મુકાયેલા ‘પ્રોજેક્ટ પાથ’ની સફળતા, પરિણામો અને તેના વિસ્તરણની કામગીરી દેશભરના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તત્કાલીન કલેક્ટર એમ. નાગરાજન, તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશ અને તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ગૌરાંગ સી. વ્યાસના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા ‘પ્રોજેક્ટ પાથ’ને ઉત્કૃષ્ટ શૈક્ષણિક કામગીરી બદલ વર્ષ ૨૦૨૩માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાંથી શિક્ષણ ક્ષેત્રે આ એવોર્ડ મેળવનાર મહેસાણા એકમાત્ર જિલ્લો હોવાનું જણાવાયું હતું.
નિપુણ ગુજરાતમાં પણ મહેસાણાનું નોંધપાત્ર પરિણામ
વેબિનારમાં તત્કાલીન મહેસાણા કલેક્ટર અને રાજ્યના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ. નાગરાજને પ્રોજેક્ટની કામગીરી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ‘નિપુણ ગુજરાત’ અંતર્ગત બાલવાટિકાથી ધોરણ-૫ સુધી લેવાયેલા બાહ્ય મૂલ્યાંકનમાં મહેસાણા જિલ્લાના ૪૫.૭ ટકા વિદ્યાર્થીઓ ‘નિપુણ’ કેટેગરીમાં આવ્યા છે, જે રાજ્યની સરેરાશ કરતાં ૧૦.૧૦ ટકા વધુ છે.
પ્રોજેક્ટને મળેલા રાષ્ટ્રીય એવોર્ડ બાદ પણ તેની કામગીરી અટકી નથી. મહેસાણાના વર્તમાન કલેક્ટર એસ. કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ‘ગ્રેડ એપ્રોપ્રિયેટ લર્નિંગ’, ‘પ્રોજેક્ટ ગિફ્ટ’ અને ‘વાંચનથી વિકાસ’ જેવા નવા પ્રકલ્પો ઉમેરવામાં આવ્યા છે. જેના પરિણામે SAT અને ગુણોત્સવ-૨.૦ના પરિણામોમાં સુધારો નોંધાયો છે. ઉપરાંત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)માં મહેસાણા જિલ્લાના ૪,૬૧૪ વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું હોવાનું વેબિનારમાં જણાવાયું હતું.
‘પ્રોજેક્ટ પાથ’નું સાહિત્ય હવે સમગ્ર ગુજરાતમાં ઉપયોગી
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શરદ ત્રિવેદીએ વેબિનારમાં પ્રોજેક્ટના સફળ અમલીકરણ અને તેના વિસ્તરણ અંગે માહિતી આપી હતી. ‘વાંચનથી વિકાસ’ અંતર્ગત થયેલી કામગીરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ બિરદાવવામાં આવી હોવાનું જણાવાયું હતું. મહત્વની બાબત એ છે કે ‘પ્રોજેક્ટ પાથ’ હેઠળ તૈયાર કરાયેલ ગુજરાતી અને ગણિતની શિક્ષક માર્ગદર્શિકા, વર્કશીટ, લેડર તથા મૂલ્યાંકન પ્રણાલી જેવા મૂળ સાહિત્યનો ઉપયોગ ગુજરાત સરકારના ‘નિપુણ અભિયાન’માં કરવામાં આવી રહ્યો છે. જેના કારણે રાજ્યના શિક્ષકો અને વિદ્યાર્થીઓને તેનો સીધો લાભ મળી રહ્યો છે.
વેબિનારમાં દેશભરમાંથી જોડાયેલા અધિકારીઓએ મહેસાણા મોડેલ અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના જવાબ કલેક્ટર એસ. કે. પ્રજાપતિ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ. નાગરાજન તથા DPEO ડૉ. શરદ ત્રિવેદીએ આપ્યા હતા. DARPGના એડિશનલ સેક્રેટરી પુનીત યાદવે મહેસાણા મોડેલની પ્રશંસા કરી હતી. એવોર્ડ મળ્યા બાદ પણ પ્રોજેક્ટને સતત આગળ ધપાવી બાળકોને શૈક્ષણિક લાભ અપાવવાની કામગીરીને તેમણે મહત્વપૂર્ણ ગણાવી ‘ટીમ મહેસાણા’ને અભિનંદન પાઠવ્યા હતા.
વેબિનાર દરમિયાન DARPGના સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ‘પ્રોજેક્ટ પાથ’ના FLN સાહિત્યને હિન્દી અને અંગ્રેજી ભાષામાં ભાષાંતરિત કરવાની માગ પણ કરવામાં આવી હતી, જેથી દેશના અન્ય રાજ્યોમાં પણ મહેસાણા મોડેલનો ઉપયોગ થઈ શકે. આ પ્રસંગે કલેક્ટર એસ. કે. પ્રજાપતિ અને DPEO ડૉ. શરદ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કાર્યરત ૨૦ સભ્યોની કોર ટીમ ઉપરાંત જિલ્લાના શિક્ષકો, BRC, CRC, TPEO, કેળવણી નિરીક્ષકો સહિત તમામ સ્ટેકહોલ્ડર્સની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવી હતી.









