MALIYA:માળિયાના સુલતાનપુર-ચીખલી વચ્ચે PGVCLની વીજ લાઇનમાંથી ₹૪૭ હજારના વાયરની ચોરી

મોરબી પંથકમાં વીજ તસ્કરો સક્રિય બન્યા છે. પીપળીયા સબ ડિવિઝન હેઠળ આવતા સુલતાનપુરથી ચીખલી ગામ વચ્ચે તસ્કરોએ PGVCLની ૧૧ કેવી વીજ લાઇનને નિશાન બનાવી હજારો રૂપિયાના એલ્યુમિનિયમ વાયરની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે PGVCLના નાયબ ઇજનેરે માળિયા મિયાણા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત મુજબ, PGVCL પીપળીયા સબ ડિવિઝનના તાબા હેઠળ આવતા સુલતાનપુર ગામથી ચીખલી ગામ તરફ જતા આશરે ૨૦૦ મીટર પહેલાં આવેલી ૧૧ કેવી માણાબા એજી વીજ ફીડર લાઇન પર તસ્કરો ત્રાટક્યા હતા. અજાણ્યા ચોર ઈસમોએ વીજ પોલ નંબર ૮૩૨ થી ૮૪૮ વચ્ચે કુલ ૧૩ ગાળામાંથી ૩૪ એમ.એમ. સ્ક્વેરનો આશરે ૧૫૬૦ મીટર એલ્યુમિનિયમ વાયર કાપી લીધો હતો. ચોરાયેલા વાયરની કિંમત આશરે રૂ. ૪૭,૦૦૭/- આંકવામાં આવી છે.
વીજ લાઇનમાંથી વાયર ચોરી થતાં ખેતીવાડી અને સ્થાનિક વીજ પુરવઠા પર અસર પહોંચી હતી. આ અંગે લુટાવદર ગામે રહેતા અને PGVCLમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર હાર્દિકભાઈ વિજયકરે માળિયા મિયાણા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.













