ડાંગ જિલ્લાના વઘઈ ખાતે આયુર્વેદ સારવાર કેમ્પમાં 415 લાભાર્થીઓને મળ્યો લાભ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

આયુર્વેદિક દવાઓ સાથે પંચકર્મ દ્વારા સારવાર; વિવિધ રોગોના નિદાન-સારવાર માટે નિષ્ણાત તબીબોની સેવા

11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી, પોષણ માસ-2026 અને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, આહવા દ્વારા વઘઈ ખાતે આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન પાચનતંત્ર, ચામડી, સાંધા, શરદી-ખાંસી-તાવ જેવા ઋતુજન્ય રોગો, શ્વસનતંત્રની તકલીફો, ડાયાબિટીસ, મેદસ્વિતા તેમજ મહિલા, બાળકો અને વૃદ્ધાવસ્થાજન્ય રોગોની આયુર્વેદિક દવાઓ તથા પંચકર્મ દ્વારા સારવાર કરવામાં આવી હતી.

કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઉષાબેન પટેલ વઘઈ તાલુકા સરપંચ સિંધુબેન ભોયે, સહિત વિવિધ આગેવાનો, વેપારી મંડળના પ્રમુખ સુભાષભાઈ બોરસે, મયુરભાઈ પટેલ સહિતના પ્રતિનિધિઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં નિવૃત્ત શિક્ષણ અધિકારી દિલીપભાઈ ચૌહાણે ગ્રામજનોને આયુર્વેદિક ચિકિત્સાનો વધુમાં વધુ ઉપયોગ કરવા તેમજ આયુર્વેદિક ઔષધિઓના જતન અને ઉછેર માટે પ્રેરણા આપી હતી.

કેમ્પમાં કુલ 415 લાભાર્થીઓએ સારવારનો લાભ લીધો હતો. જેમાં 305 લાભાર્થીઓએ આયુર્વેદિક ઔષધિઓનો લાભ લીધો હતો, જ્યારે 110 દર્દીઓએ પંચકર્મ ચિકિત્સા મેળવી હતી.

મેડિકલ ઓફિસર આયુર્વેદ વૈદ્ય દિગ્વેશભાઈ ભોયે, વૈદ્ય હેતલબેન ચૌધરી, વૈદ્ય હેતલબેન ગામિત, આમંત્રિત પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ ડોક્ટર વૈદ્ય ભાગ્યશ્રીબેન વળવી તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને દવાખાનાના સ્ટાફે લાભાર્થીઓને સારવાર આપી હતી.

વઘઈ ખાતે યોજાયેલ આ કેમ્પથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે આયુર્વેદિક નિદાન અને સારવારની સુવિધા મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ હતી.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો