વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ત્રણ દિવસમાં પાણીની સમસ્યા ઉકેલવાની કોંગ્રેસની માંગ; ઉકેલ નહીં આવે તો મહાનગરપાલિકા ઘેરાવની ચીમકી
નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નં. 4માં આવેલા દાંડીવાડ વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન હોવાના આક્ષેપ સાથે આજે સવારે નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. પાણી જેવી પાયાની સુવિધા માટે લાંબા સમયથી રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સ્થાનિક રહીશો નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ, કાર્યકારી પ્રમુખ રાજન જોશી, વોર્ડ નં. 4ના નગરસેવક તથા વિપક્ષી નેતા પ્રભાવ વલસાડીયા અને પ્રકાશ રાઠોડની આગેવાનીમાં મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. આ દરમિયાન શાસક પક્ષ અને મહાનગરપાલિકાના વહીવટ સામે સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક પાણીની સમસ્યા દૂર કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.
કોંગ્રેસ આગેવાનો તથા સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયને આવેદનપત્ર આપી દાંડીવાડ વિસ્તારમાં પાણીની સમસ્યાનો ત્રણ દિવસમાં કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી. સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જો નિર્ધારિત સમયમર્યાદામાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવ કરી વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
સ્થાનિકોના રોષને પગલે મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે આજે જ અસરગ્રસ્ત દાંડીવાડ વિસ્તારની મુલાકાત લઈને સ્થળ પર સર્વે કરવાની અને તાત્કાલિક કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી. પાણીની સમસ્યાનું કારણ શોધી જરૂરી કાર્યવાહી કરી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
છેલ્લા છ મહિનાથી પીવાના પાણી માટે પરેશાન સ્થાનિકોને હવે કમિશનરની ખાતરી બાદ રાહતની આશા જાગી છે. જોકે, ત્રણ દિવસમાં સમસ્યાનો ખરેખર ઉકેલ આવે છે કે ફરી માત્ર આશ્વાસન પૂરતું રહે છે, તેના પર દાંડીવાડ વિસ્તારના રહીશો અને કોંગ્રેસ આગેવાનોની નજર રહેશે.










