કોટ ગામે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિ દિવસની ઉજવણી
સેવાસેતુ કાર્યક્રમમાં વૃદ્ધોની બીપી-ડાયાબિટીસ તપાસ કરાઈ, આયુષ્માન કાર્ડની કામગીરી પણ કરાઈ
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર

આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિ દિવસ નિમિત્તે વિજાપુર તાલુકાના કોટ ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં વૃદ્ધજનો માટે વિશેષ એનસીડી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એનસીડી સેલ મહેસાણા તથા તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પમાં ગામના તેમજ આસપાસના વિસ્તારમાંથી આવેલા વૃદ્ધોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન ઉપસ્થિત વૃદ્ધોની બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી. સાથે જ સરકારી આરોગ્ય યોજનાનો લાભ મળી રહે તે માટે લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ કાઢી આપવાની કામગીરી પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પરમાર સહિત તાલુકા સદસ્ય, કોટ ગામના સરપંચ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિ તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આયુષ મેડિકલ ઓફિસર, સરદારપુર, સીએચઓ તેમજ પેરામેડિકલ સ્ટાફ દ્વારા વૃદ્ધજનોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
કોટ ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં વૃદ્ધજનોની આરોગ્ય તપાસ સાથે તેમને સરકારની આરોગ્યલક્ષી સેવાઓ અને યોજનાઓનો લાભ સ્થળ પર જ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવતા ગ્રામજનોમાં પણ સંતોષ જોવા મળ્યો હતો.










