સંતરામપુરના ઐતિહાસિક રવાડી મેળા નિમિત્તે ટ્રાફિક ડાયવર્ઝન અને પ્રતિબંધિત જાહેરનામું પ્રસિદ્ધ
****

અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સંતરામપુર ટાઉનમાં ફોર વ્હીલર વાહનો માટે પ્રવેશબંધી અને વૈકલ્પિક માર્ગો જાહેર
****
રવાડી મેળામાં જનતાની સુરક્ષા માટે સંતરામપુર રિલાયન્સ પેટ્રોલ પંપથી પ્રતાપપુરા સુધીનો રસ્તો પ્રતિબંધિત
****
મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આગામી ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૦૭ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન યોજાનાર ઐતિહાસિક રવાડી મેળાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.વી. લતા દ્વારા જાહેર જનતાની સુખાકારી અને સુરક્ષાને ધ્યાને રાખીને ચોક્કસ વિસ્તારોમાં ફોર વ્હીલર વાહનો માટે પ્રતિબંધ અને ડાયવર્ઝનનો અમલ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ મેળામાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો અને વાહનોની અવરજવર થતી હોવાથી ટ્રાફિક જામની સમસ્યા નિવારવા અને અકસ્માતો અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે.
સંતરામપુર ટાઉન વિસ્તારના પ્રતાપપુરા મેદાન ખાતે આયોજિત આ મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ આદેશ જારી કરવામાં આવ્યા છે. જાહેરનામા મુજબ, સંતરામપુર નગરના રિલાયન્સ પેટ્રોલ પંપથી પ્રતાપપુરા સુધીના રસ્તા ઉપર તમામ પ્રકારના ફોર વ્હીલર વાહનો માટે પ્રવેશબંધી લાદવામાં આવી છે. જોકે, એમ્બ્યુલન્સ અને ફાયર જેવી આવશ્યક સેવાઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી લઈને ૦૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
વાહનચાલકોની સુવિધા અને મેળામાં આવતા લોકોની સલામતી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોની જાહેરાત કરવામાં આવી છે. લુણાવાડા તરફથી આવતા વાહનો માટે આંબેડકર સર્કલ થઈ બાયપાસ રોડ વાયા ખુંટ ચોકડીથી ઝાલોદ તરફ જવાનું રહેશે. તેવી જ રીતે, ફતેપુરા તથા રાજસ્થાન આનંદપુરી તરફથી અવરજવર કરતા વાહનોએ પ્રતાપપુરા સર્કલથી બાયપાસ રોડનો ડાયવર્ઝન માર્ગ તરીકે ઉપયોગ કરવાનો રહેશે. આ અંગેની જાણકારી માટે સંબંધિત વિભાગો દ્વારા વિવિધ સ્થળોએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સાઈન બોર્ડ લગાવવાની સૂચના પણ આપવામાં આવી છે.
જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરશે, તો તેમની સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ અને ૧૩૫ તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.










