જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ આજે ગરવા ગિરનાર પર બિરાજમાન મા અંબાના મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને ભાવિકો માટે પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ કરવા તેમજ મંદિરની ભવ્યતા અને દિવ્યતા વધે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સમગ્ર મંદિર તેમજ તેની આસપાસના હેલીપેડ ગ્રાઉન્ડ સહિતનાં સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તાજેતરમાં નવરાત્રીનું પર્વ આવી રહ્યું હોવાથી ભાવિકો માટે જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ મંદિર ખાતે તેમજ ગિરનાર પર સ્વચ્છતાનું સ્તર વધુ ઊંચું જળવાય તે માટે જનભાગીદારી વધારવા સૂચના આપી હતી. યાત્રાળુઓ સ્વચ્છતા માટે વધુ સજાગ બને તે માટે જનજાગૃતિના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. અંબાજી મંદિર ખાતેથી ભાવિકો મા અંબાના સરળતાથી અને સુવિધાપૂર્ણ રીતે દર્શન કરી શકે તેમજ ગિરનારના પ્રાકૃતિક સૌંદર્યને પણ માણી શકે તે માટે વ્યૂ પોઈન્ટ વિકસાવવા જરૂરી આયોજન કરવા સૂચના આપી હતી. ઉપરાંત, મંદિરની ભવ્યતા અને દિવ્યતા વધુ વધે તે માટે રંગરોગાન સહિતનાં કામો હાથ ધરવા માટે પણ નિર્દેશ આપ્યા હતા. ભાવિકો ભાવપૂર્વક મા અંબાના દર્શન કરી શકે તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ વધુ મજબૂત બને તે માટે લાંબા અને ટૂંકા ગાળાનાં આયોજન અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના ઇજનેરો સહિતના અધિકારીઓ સાથે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રીની સાથે નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી.એસ.બારડ, આસિસ્ટન્ટ કલેકટર વૃષાલી કાંબલે, નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, ભવનાથ મંદિરના વહીવટદાર અને પ્રાંત અધિકારી શ્રી ચિરાગ હિરવાણીયા સહિતના અધિકારીઓ અંબાજી મંદિર પરિસરના નિરીક્ષણમાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ











