મુળીના ચાણપરમાં વીજ ફોલ્ટ રિપેરિંગ દરમિયાન થાંભલો ધરાશાયી: PGVCLના યુવાન કર્મચારીનું કરૂણ મોત

તા.03/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ચાણપર ગામે વીજ ફોલ્ટની કામગીરી દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો છે. વીજ થાંભલા પર ચડીને રિપેરિંગ કામ કરી રહેલા PGVCLના કર્મચારી સાથે થાંભલો જમીનદોસ્ત થતાં કર્મચારીનું ગંભીર ઈજાઓના કારણે કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે વીજ તંત્ર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની મળતી વિગતો અનુસાર, ચાણપર ગામે વીજ પુરવઠો ખોરવાતાં સ્થાનિક ગ્રામજનો દ્વારા PGVCL વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી. ફરિયાદના આધારે PGVCLની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી અને વીજ ફોલ્ટ સરખો કરવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન PGVCLના કર્મચારી રાહુલ મેણીયા વીજ થાંભલા પર ચડીને સમારકામ કરી રહ્યા હતા.

કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક વીજ થાંભલો તળિયાના ભાગેથી તૂટી પડ્યો હતો. થાંભલો ધરાશાયી થતાં ઉપર રહેલા રાહુલ મેણીયા પણ જમીન પર પટકાતાં તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતાં જ સાથે રહેલા કર્મચારીઓ અને સ્થાનિકો દ્વારા તેમને તુરંત જ મુળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત અત્યંત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેમણે દમ તોડી દીધો હતો. સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકનું પોસ્ટમોર્ટમ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ PGVCLના ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મચારીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો. આકસ્મિક રીતે યુવાન કર્મચારીનું મોત નીપજતાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારોમાં આવેલા જર્જરિત વીજ થાંભલાઓ કર્મચારીઓ માટે જોખમી બની રહ્યા છે, ત્યારે સુરક્ષાત્મક પગલાં અને થાંભલાઓની સ્થિતિ ચકાસ્યા બાદ જ કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો