બિલીયા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ઝળહળતી સિદ્ધિ મેળવી
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી 

વિજાપુર તાલુકાની બિલીયા પ્રાથમિક શાળામાં આજે શનિવારે સવારે ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષક ધર્મેશભાઈ પટેલના આયોજન અને આચાર્યશ્રી સરલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રદર્શનમાં શાળાના બાળ વૈજ્ઞાનિકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી પોતાની સર્જનાત્મકતા તથા વૈજ્ઞાનિક અભિગમનો પરિચય કરાવ્યો હતો.
પ્રદર્શનમાં SMC અધ્યક્ષ રણજીતસિંહ ચૌહાણ, SMC સભ્ય નવનીતભાઈ પટેલ સહિત શાળાના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ ઉપયોગી અને કાર્યરત મોડેલ રજૂ કર્યા હતા.
પ્રદર્શનમાં સ્વદેશી કૃષિ પદ્ધતિના વર્કિંગ મોડેલને પ્રથમ ક્રમ મળ્યો હતો. આ કૃતિ ધોરણ-8ના પ્રજાપતિ ધ્રુવ અને સાધુ નક્ષ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જ્યારે ધોરણ-6ના રાવળ યશ રાકેશભાઈની કૃતિએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.
આ ઉપરાંત ટપક સિંચાઈ પદ્ધતિનું મોડેલ રજૂ કરનાર ધોરણ-8ના પટેલ કક્ષ અને પટેલ ક્રિશનલને તૃતીય ક્રમ મળ્યો હતો. તેમજ ધોરણ-6ના પટેલ મૈત્ર અને પટેલ પ્રથમ દ્વારા રજૂ કરાયેલા વેક્યુમ ક્લીનર અને સ્માર્ટ ઓવરહેડ ટાંકીના મોડેલને પણ તૃતીય ક્રમ પ્રાપ્ત થયો હતો.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિને પગલે બિલીયા પ્રાથમિક શાળા તેમજ ગામનું નામ ગૌરવભેર રોશન થયું છે. બાળ વૈજ્ઞાનિકોની સફળતા બદલ શાળા પરિવાર, માર્ગદર્શક શિક્ષકો તથા વાલીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.










