સુરેન્દ્રનગરમાં આંબેડકર ચોક સ્થિત મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર ખાતે ‘પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર’નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

તા.03/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

ગ્રાહકો ‘ફેમિલી ડોક્ટર’ના બદલે ‘ફેમિલી ફાર્મર’નો કન્સેપ્ટ અપનાવશે તો આરોગ્યની સુરક્ષા જળવાઈ રહેશે: જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી

ગ્રાહકો ‘ફેમિલી ડોક્ટર’ના બદલે ‘ફેમિલી ફાર્મર’નો કન્સેપ્ટ અપનાવશે તો આરોગ્યની સુરક્ષા જળવાઈ રહેશે: જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી, સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની ઉપજનું સીધું બજાર મળી રહે અને શહેરીજનોને શુદ્ધ તથા સાત્વિક ખોરાક પ્રાપ્ત થાય તેવા શુભ હેતુથી આંબેડકર ચોક સ્થિત મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર ખાતે ‘પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર’નો ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ‘આત્મા’ ગુજરાત અને પ્રાકૃતિક કૃષિ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોની પેદાશોને સીધી બજાર સાથે જોડીને તેમને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ કેન્દ્ર ખાતે દર શનિવારે સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત ખેતીથી તૈયાર કરાયેલા રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ મુક્ત શાકભાજી, ફળો, અનાજ તથા કઠોળનું કોઈ પણ વચેટિયા વિના બજાર ભાવે સીધું વેચાણ કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન, મુખ્યમંત્રી તથા રાજ્યપાલના ‘સ્વસ્થ ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવા માટે બનાવવામાં આવેલા વ્હોટ્સએપ ગ્રુપમાં માત્ર એક જ દિવસમાં ૮૦૦ જેટલા ગ્રાહકો જોડાઈ ચૂક્યા છે. કલેક્ટરએ આ સફળ આયોજન બદલ કોર્પોરેશનની ટીમ, મેયર તથા તમામ પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. ભવિષ્યના આયોજન અંગે માહિતી આપતા કલેક્ટરએ ઉમેર્યું હતું કે, આગામી ત્રણ મહિનામાં હાઈવે ટચ વિસ્તારો, નગરપાલિકા વિસ્તારો તેમજ જિલ્લા પંચાયત અને APMCના સહયોગથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ ૨ થી ૩ સ્ટોલ ઊભા કરવામાં આવશે. રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડ્સના ઉપયોગથી રોગોનો ખતરો વધી રહ્યો છે, ત્યારે જો ગ્રાહકો ‘ફેમિલી ડોક્ટર’ના બદલે ‘ફેમિલી ફાર્મર’નો કન્સેપ્ટ અપનાવશે તો કુદરતી રીતે જ આરોગ્યની સુરક્ષા જળવાઈ રહેશે. જિલ્લાના આત્મા પ્રોજેક્ટ વિભાગ દ્વારા તમામ નાગરિકોને આ સરકારી સ્ટોલ પરથી સાત્વિક અને કેમિકલમુક્ત ચીજવસ્તુઓ ખરીદવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિક કાર્યક્રમ બાદ કલેક્ટર કચેરી ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યવ્યાપી મુખ્ય લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની ગરિમામય વર્ચ્યુઅલ હાજરીમાં આ મુહિમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડીયા, મેયર રાકેશકુમાર રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ સહિતના પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ, પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો