તા.03/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


ધ્રાંગધ્રા: રાજ્યભરમાં સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સામે વકીલ આલમમાં ભારે અસંતોષ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. તેના જ ભાગરૂપે ધ્રાંગધ્રા વકીલ મંડળ દ્વારા પણ આ કાળાદાયી કાયદાનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા કોર્ટ પરિસરમાં એકત્રિત થયેલા વકીલોએ સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને એક દિવસ માટે તમામ ન્યાયિક કામકાજથી અળગા રહીને હડતાળ પાડી હતી. વકીલ મંડળના જણાવ્યા અનુસાર, નવા ભાડા વિધેયક-2026માં ભાડૂઆત અને મકાનમાલિક વચ્ચેના વિવાદો ઉકેલવાની સત્તા સિવિલ કોર્ટ પાસેથી આંચકીને એડમિનિસ્ટ્રેટિવ તંત્ર કે મામલતદાર કચેરીને સોંપવાની જોગવાઈઓ સામે વિરોધ છે. આ ફેરફારથી ન્યાયિક પ્રક્રિયા પ્રભાવિત થશે તેમજ પક્ષકારો અને વકીલો બંને માટે જટિલ પરિસ્થિતિ નિર્માણ થશે. આ કાયદો જુનિયરથી લઈને સિનિયર વકીલોની પ્રેક્ટિસ અને વ્યવસાય પર સીધી માઠી અસર પહોંચાડશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ધ્રાંગધ્રા કોર્ટ સંકુલની બહાર મોટી સંખ્યામાં સિનિયર અને જુનિયર વકીલો એકઠા થયા હતા. વકીલોએ એકજૂથ થઈને ‘ભાડા વિધેયક-2026’ નાબૂદ કરવા અને સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે વકીલ મંડળે એક દિવસ માટે કોર્ટની તમામ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. વકીલો કામકાજથી અળગા રહેતા કોર્ટમાં આવતા અસંખ્ય પક્ષકારોના કામ અટકી પડ્યા હતા અને કોર્ટ પરિસરમાં દિવસભર ગરમાવો જોવા મળ્યો હતો. ધ્રાંગધ્રા વકીલ મંડળે સરકાર સમક્ષ માંગ કરી છે કે આ કાયદા પર પુનઃવિચારણા કરવામાં આવે અને વિધેયક ત્વરિત ધોરણે પાછું ખેંચવામાં આવે. જો વકીલો અને પક્ષકારોના હિતને ધ્યાને રાખીને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી લડતને વધુ ઉગ્ર બનાવવાની અને લાંબા ગાળાના આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.










