વિજાપુરમાં રૂ.1.97 લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદ

- એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટનો હુકમ : ફરિયાદીને રૂ.1.97 લાખ વળતર ચૂકવવાનો આદેશ
વિજાપુરમાં રૂ.1.97 લાખના ચેક બાઉન્સના કેસમાં એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે આરોપીને તકસીરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ ફરિયાદીને રૂ.1,97,500નું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.મળતી માહિતી મુજબ વિજાપુરના ઓટો કન્સલ્ટન્ટ નો ધંધો કરતા મન દીપક કુમાર બારોટ અને સુંદરપુરના કૌશિકકુમાર ધ્વારકાભાઈ પટેલ વચ્ચે મીત્ર ના નાતે પરિચય બંધાયો હતો. તા.1 જૂન, 2024ના રોજ કૌશિક કુમાર પટેલ ને સામાજિક કામ માટે રૂ.2 લાખની જરૂરિયાત હોવાથી હાથ ઉછીની રકમ માંગી હતી. આ રકમ મિત્ર મન કુમાર બારોટે વિજાપુરના રૂદ્રાક્ષ પાન પાર્લર ખાતે કૌશિક કુમારને આપી હતી જે રકમ તા.29 જુલાઈ, 2024 સુધીમાં રકમ પરત આપવાનું જણાવ્યું હતું. જોકે, મુદત પૂર્ણ થતાં રૂ.2 લાખમાંથી રૂ.2,500 રોકડા આપી બાકીની રૂ.1,97,500ની રકમ માટે HDFC બેંક, વિજાપુર શાખાનો ચેક નં.000010 આપ્યો હતો.
ફરિયાદ મુજબ, ચેક બેંકમાં જમા કરાવતા તે ચેક ફંડ ઇનસફિશિયન્ટ’ના શેરા સાથે પરત ફર્યો હતો.જેની જાણ ફરિયાદી મન બારોટે આરોપી કૌશિક કુમારને કરી હતી. રકમની વસૂલાત ન થતાં તા.10 સપ્ટેમ્બર, 2024ના રોજ મન કુમાર બારોટે વિદ્વાન વકીલ આર એમ બારોટ નો સંપર્ક કરી વકીલ મારફત રજિસ્ટર્ડ પોસ્ટ-એડીથી કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી, જે તા.17 સપ્ટેમ્બરે આરોપીને બજેલી હતી. તેમ છતાં રકમ ચૂકવવામાં ન આવતાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ કેસની સુનાવણી બાદ વિજાપુર એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ધર્મેન્દ્રકુમાર અશોકભાઈ પટેલ ની અદાલતમાં ચાલતા બંને પક્ષો ની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટે આરોપી કૌશિકકુમાર ધ્વારકાભાઈ પટેલને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ તકસીરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.
સાથે જ કોર્ટના હુકમ મુજબ આરોપીએ ફરિયાદીને રૂ.1,97,500 વળતર પેટે ચૂકવવાના રહેશે, જ્યારે ચેકના સંદર્ભમાં અગાઉ કોઈ રકમ ચૂકવવામાં આવી હોય તો તે રકમની મજરે આપવાની રહેશે. આરોપીની સજાનું વોરંટ ઇસ્યુ કરી બજવણી માટે મોકલવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.ફરિયાદી તરફે એડવોકેટ આર.એમ. બારોટે કોર્ટમાં રજૂઆત કરી હતી.










