રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩.૧૦.૨૦૨૬
ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના સંદેશને જનજન સુધી પહોંચાડવા તેમજ સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને સાકાર કરવાના હેતુથી પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પાવાગઢ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને યોજાયેલા આ અભિયાનમાં જિલ્લા પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે પાવાગઢના સફાઈ કામદારો, એનજીઓના પ્રતિનિધિઓ, ગ્રામજનો અને વેપારીઓએ સહયોગ આપ્યો હતો. માંચીથી મહાકાળી માતાજીના મંદિર સુધીના માર્ગ પર સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી.પાવાગઢ ધાર્મિક તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ યાત્રાધામ છે.અહીં મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ આવેલું હોવાથી સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ દર્શનાર્થે આવે છે. પાવાગઢની ધાર્મિક પવિત્રતા, સ્વચ્છતા, કુદરતી સુંદરતા અને પર્યાવરણનું જતન થાય તે હેતુથી જિલ્લા પોલીસ દ્વારા આ પહેલ કરવામાં આવી હતી.સ્વચ્છતા અભિયાન દરમિયાન માર્ગો તેમજ આસપાસના વિસ્તારોમાંથી કચરો એકત્ર કરી તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ સ્થળ પર ઉપસ્થિત શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા, પ્લાસ્ટિકનો બિનજરૂરી ઉપયોગ ટાળવા તથા પાવાગઢની સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.હરેશભાઈ દુધાત દ્વારા સ્વચ્છ પાવાગઢ પવિત્ર પાવાગઢનો સંદેશ આપવામાં આવ્યો હતો.તેમણે પાવાગઢની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવામાં પોલીસ સાથે નાગરિકો, શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ, વેપારીઓ તથા સ્થાનિક લોકોની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવી સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.પંચમહાલ જિલ્લા પોલીસે પાવાગઢને માત્ર યાત્રાધામ નહીં પરંતુ સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહર ગણાવી તેની સ્વચ્છતા અને સુંદરતા જાળવવી દરેક નાગરિકની સામૂહિક જવાબદારી હોવાનું જણાવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાન દ્વારા જિલ્લા પોલીસે સ્વચ્છતા સાથે સેવા અને સુરક્ષાનો સંદેશ આપીને સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો.










