MORBI:રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં મોરબી ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધા યોજાઈ

વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને પ્રોત્સાહક ઇનામો આપી કરાયા સન્માનિત: રાજ્યમંત્રીશ્રીએ મોરબી જિલ્લા વહીવટી તંત્રના સુંદર આયોજનને બિરદાવ્યું

નવી શિક્ષણ નીતિ, સર્જન શક્તિ અને કૌશલ્યલક્ષી શિક્ષણ થકી યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં આપી રહ્યા છે અનન્ય યોગદાન: મંત્રીશ્રી રિવાબા જાડેજા
‘સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬-૨૭’ અંતર્ગત શિક્ષિત બનો, આગળ વધો, સશક્ત બનોના વિચાર સાથે મોરબીમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને વક્તૃત્વ કૌશલ્યને પ્રોત્સાહન આપવાના આશયથી ધરમપુર સ્થિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ત્રણેય સ્પર્ધાઓમાં અંદાજિત ૩૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ બાળ-પ્રતિભાઓને મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ અને પ્રોત્સાહક ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રેરણાદાયી ઉદ્બોધન આપતાં રાજ્યમંત્રીશ્રી રિવાબા જાડેજાએ સફળ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને વાઇબ્રન્ટ ગુજરાત જેવા પ્રકલ્પો થકી ગુજરાત ‘વિકસિત ભારત’ના નિર્માણમાં લીડ લઈ રહ્યું છે. શિક્ષણ એ માત્ર અક્ષરજ્ઞાન નથી પરંતુ સાચા અને ખોટાનો ભેદ સમજાવે તે સાચું શિક્ષણ છે. નવી શિક્ષણ નીતિ દ્વારા બાળકોમાં કૌશલ્ય, મૂલ્યો અને સર્જન શક્તિનો વિકાસ થઈ રહ્યો છે, જેના પરિણામે નવયુવાનો તમામ ક્ષેત્રે આગળ આવી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. આ પ્રકારની સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને પોતાની સુષુપ્ત શક્તિઓ ઓળખી ભારતની વિકાસયાત્રામાં સહભાગી બનવાનું સશક્ત માધ્યમ પૂરું પાડે છે.

આ કાર્યક્રમમાં મોરબી મેયરશ્રી ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી વિપુલભાઈ ઘરચર, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી રિંકલબેન અઘેરા, કારોબારી સમિતિના ચેરમેનશ્રી મનીષભાઈ કાંજીયા, નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. સુનિલકુમાર બેરવાલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કમલેશ મોતા સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ, મોટી સંખ્યામાં શાળાના બાળકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.












