જામનગરમાં મહાત્મા ગાંધી જયંતીએ ખાદીની ખરીદી માટે મહાનુભાવોની ભીડ

સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, મેયર મોનિકાબેન વ્યાસ સહિતના આગેવાનો ખાદી ભવન પહોંચ્યા; એક જ દિવસમાં રૂ. ૬.૨૫ લાખની ખાદીનું વેચાણ
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા ૩: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના પાવન અવસરે જામનગરના રણજીત રોડ પર આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવન ખાતે ખાદીની ખરીદી માટે નાગરિકો ઉપરાંત રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા, જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ સહિતના મહાનુભાવો ખાદી ભવન ખાતે પહોંચ્યા હતા અને ખાદીના વસ્ત્રો સહિત વિવિધ ઉત્પાદનોની ખરીદી કરી હતી.
ગાંધી જયંતીના એક જ દિવસે ખાદી ભવન ખાતે આશરે રૂ. ૬.૨૫ લાખની ખાદી તથા ખાદી આધારિત ચીજવસ્તુઓનું વેચાણ થયું હતું. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાદીના વેચાણમાં વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સ્વદેશી અને આત્મનિર્ભરતાનો સંદેશ આપ્યો હતો. આ સંદેશને આગળ વધારવાના આશયથી ગાંધી જયંતીના દિવસે ખાદીની ખરીદીનું મહત્વ વધુ જોવા મળ્યું હતું. વિવિધ ક્ષેત્રના આગેવાનો અને નાગરિકોએ ખાદીના વસ્ત્રો તથા અન્ય ઉત્પાદનોની ખરીદી કરીને સ્થાનિક કારીગરો અને ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું હતું.
રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ખાદી ભવનની મુલાકાત દરમિયાન ખાદીના વસ્ત્રો તથા વિવિધ ઉત્પાદનોની ખરીદી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ખાદી માત્ર વસ્ત્ર નથી, પરંતુ ભારતની આત્મનિર્ભરતા, ગ્રામ્ય સશક્તિકરણ અને સ્વાભિમાનનું પ્રતીક છે. સ્થાનિક કારીગરોને આર્થિક ટેકો મળે તે માટે નાગરિકોએ વધુમાં વધુ ખાદીની ખરીદી કરવી જોઈએ.
આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશભાઈ કાનાણી સહિતના જનપ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો અને સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ પણ ખાદી ભવન ખાતે પહોંચ્યા હતા.
ગાંધી જયંતીના અવસરે ખાદી ભવનમાં દિવસ દરમિયાન ખરીદી માટે લોકોની અવરજવર રહી હતી. ખાદીના વસ્ત્રો ઉપરાંત વિવિધ ખાદી ઉત્પાદનોની પણ લોકોએ ખરીદી કરી હતી. એક જ દિવસમાં રૂ. ૬.૨૫ લાખનું વેચાણ થતાં ખાદી ભવન ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો










