વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
‘વિકસિત ભારત ૨૦૪૭’ ના નિર્માણમાં યુવા પેઢી પોતાનું મહામૂલું યોગદાન આપે: મંત્રી ત્રિકમભાઈ છાંગા.
કચ્છ જિલ્લો રાજ્યમાં મોખરે : વકતૃત્વ, ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં ૨ લાખથી વધુ જિલ્લાના વિધાર્થીઓ સહભાગી થઈ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું.
વિદ્યાર્થીઓ દ્વારા દોરાયેલા શ્રેષ્ઠ ચિત્રોનું મહાનુભાવોએ પ્રદર્શન નિહાળ્યું.
ભુજ,તા-૦૪ ઓક્ટોબર : રાજ્યમાં ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની મુખ્ય ઉપસ્થિતિમાં માનકુવા સ્થિત પુરૂષોત્તમ વિદ્યાલય તથા એમ.કે.એમ. વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષાની વકતૃત્વ, ચિત્ર અને રંગોળી સ્પર્ધાનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાની વકૃત્વ, ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશે વિકાસના અનેક સોપાન સર કર્યા છે. આ વિકાસયાત્રા અવિરત રહે અને વર્ષ ૨૦૪૭માં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને તેવું વડાપ્રધાન નું સપનું છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે આજના વિદ્યાર્થીઓ, જેઓ આવતીકાલનું ભવિષ્ય છે, તે મહત્વનો ભાગ ભજવશે. તેમણે દરેક વિદ્યાર્થીને શિક્ષણની સાથે પોતાનામાં રહેલી વિવિધ કૌશલ્ય શક્તિઓને ઉજાગર કરીને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે દેશના વિકાસમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના જન્મદિવસથી શરૂ થયેલો સેવા સંકલ્પ કાર્યક્રમ વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવાઈ રહ્યો છે. કચ્છ જિલ્લામાં આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જે સિદ્ધિ સાથે કચ્છ જિલ્લો સમગ્ર ગુજરાતમાં મોખરે રહ્યો છે. જિલ્લામાંથી ચિત્ર સ્પર્ધામાં ૧.૬૫ લાખથી વધુ, વક્તૃત્વ સ્પર્ધામાં ૩૩ હજારથી વધુ અને રંગોળી સ્પર્ધામાં ૫ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાંસદશ્રીએ વડાપ્રધાનના જાહેર સેવાના ૨૫ વર્ષના નેતૃત્વનું ઉદાહરણ આપીને ઉપસ્થિત વિદ્યાર્થીઓને ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પ સાથે પોતાની પ્રતિભા ઓળખી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ વિવિધ સ્પર્ધાઓમાં સહભાગી થઈ કૌશલ્ય દર્શાવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારતના ભવિષ્યને નવો ઓપ આપવા અને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં આજના વિદ્યાર્થીઓને સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી.કાર્યક્રમ દરમિયાન માનકુવા પુરૂષોત્તમ વિદ્યાલય ખાતે આયોજિત ચિત્ર પ્રદર્શન તથા એમ.કે.એમ. વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓએ બનાવેલી રંગોળીઓનું મહાનુભાવો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને બાળકોની કલાને બિરદાવવામાં આવી હતી.આ સન્માન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરીશભાઇ ભંડેરી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશભાઇ રૂડાણી, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, માનકુવા સરપંચ રમેશભાઈ ભૂડીયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, આગેવાન દેવજીભાઇ વરચંદ, ધવલભાઇ આચાર્ય, ભીમજીભાઇ જોધાણી, હિતેશભાઇ ખંડોલ, જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઇ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશદાન ગઢવી, માનકુવા કેળવણી મંડળના ટ્રસ્ટી શિવજીભાઈ પુંજાણી સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કર તથા ભૂમિબેન ચોક્સીએ કર્યું હતું.











