ગુજરાત સરકારના સૂચિત ગુજરાત ભાડા વિધેયક 2026ની કેટલીક જોગવાઈઓમાં જરૂરી સુધારા-વધારાની માંગ સાથે બોડેલી બાર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પરિપત્રને સમર્થન આપતાં બોડેલીના વકીલોએ કોર્ટ કામકાજથી અલિપ્ત રહેવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન વકીલો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ પરિપત્રની ઝેરોક્ષ નકલો સળગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યમાં સૂચિત ગુજરાત ભાડા વિધેયક 2026ને લઈને રાજ્યભરના વકીલો અને વિવિધ બાર એસોસિએશનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બોડેલી બાર એસોસિએશન દ્વારા પણ આ વિરોધને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે.
બોડેલી બાર એસોસિએશનની સંયુક્ત અસાધારણ સામાન્ય સભામાં રાજ્યના બાર એસોસિએશનો દ્વારા કરવામાં આવી રહેલી લડતને સમર્થન આપવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી મળેલા પરિપત્રનો રેફરન્સ નંબર BCG/16457/2026 હોવાનું જણાવાયું છે. પરિપત્રના આધારે વકીલો દ્વારા ગુજરાત ભાડા વિધેયક 2026ની કેટલીક જોગવાઈઓમાં તાત્કાલિક જરૂરી સુધારા કરવાની માંગ કરવામાં આવી છે.
બોડેલી બાર એસોસિએશન દ્વારા અગાઉ 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2026 દરમિયાન કોર્ટ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારબાદ 5 ઓક્ટોબરથી અરજન્ટ સહિતના તમામ કોર્ટ કામકાજથી અચોક્કસ મુદતની હડતાલનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
વિરોધ દરમિયાન વકીલોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પરિપત્રની ઝેરોક્ષ નકલો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે બોડેલી બાર એસોસિએશન દ્વારા પ્રિન્સિપાલ ફેમિલી જજ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ તેમજ એડિશનલ પ્રિન્સિપાલ ફેમિલી જજને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં વકીલો અને પક્ષકારોની ગેરહાજરી દરમિયાન કોઈપણ કેસમાં એકતરફી કાર્યવાહી ન કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. તેમજ ગેરહાજરીને ધ્યાને લઈ કોઈ વોરંટ કે નોટિસ ઈશ્યૂ ન કરવામાં આવે અને વકીલો કે પક્ષકારોને કોઈ નુકસાન ન થાય તે માટે કેસને જે તે તબક્કે રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. બોડેલી બાર એસોસિએશન દ્વારા ગુજરાત ભાડા વિધેયક 2026ની જોગવાઈઓમાં વકીલો અને પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને જરૂરી સુધારા-વધારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.