MORBI:મોરબીમાં ખાડા-ટેકરાથી પ્રજા ત્રાહિમામ: ચોમાસું વીતવા છતાં રસ્તાઓની હાલત બિસ્માર, કલેક્ટર અને મહાપાલિકા સમક્ષ ઉગ્ર રજૂઆત

મોરબી શહેરમાં ચોમાસું પૂર્ણ થયા બાદ પણ ઠેર-ઠેર પડેલા ખાડા અને બિસ્માર રસ્તાઓને કારણે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના ગ્રીન ચોકથી નેહરુ ગેઇટ સહિતના મુખ્ય માર્ગો પર પડેલા મોટા ખાડાઓને લીધે વાહનચાલકો, વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ગંભીર સમસ્યાને લઈને સામાજિક કાર્યકરો અને વેપારીઓએ મહાનગરપાલિકા તંત્ર, મેયર તેમજ જિલ્લા કલેક્ટર સમક્ષ તાત્કાલિક રસ્તા રિપેર કરવાની ઉગ્ર માંગણી સાથે લેખિત રજૂઆત કરી છે.

તહેવારો પૂર્વે રસ્તા રીપેર કરવા સામાજિક આગેવાનોની માંગ
સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગિરીશ કોટેચા અને રાણેવાડિયા દેવેશ મેરુભાઈ સહિતના આગેવાનોએ તંત્રને આવેદન આપી જણાવ્યું હતું કે, અત્યાર સુધી ચોમાસાનું બહાનું કાઢવામાં આવતું હતું, પરંતુ હવે વરસાદ બંધ થઈ ગયો હોવાથી તંત્ર તાત્કાલિક યુદ્ધના ધોરણે પેચવર્ક અને સમારકામ શરૂ કરે. આગામી સમયમાં ધાર્મિક તહેવારો આવી રહ્યા હોવાથી શહેરના મુખ્ય માર્ગો ઉપરાંત સોસાયટી અને શેરી-ગલીઓના આંતરિક રસ્તાઓનું પણ સત્વરે સમારકામ થાય તે અનિવાર્ય છે.
ટ્રાફિક જામ અને ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ
રજૂઆતમાં વધુમાં જણાવ્યા અનુસાર, ખાડા-ટેકરાવાળા માર્ગોના કારણે શહેરમાં દૈનિક ધોરણે ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાય છે. એટલું જ નહીં, દર્દીઓને હોસ્પિટલ લઈ જતી ‘૧૦૮’ જેવી અતિ મહત્વની ઇમરજન્સી સેવાઓને પણ ખાડાઓને લીધે પસાર થવામાં મુશ્કેલી પડે છે. નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા પણ હજુ યથાવત્ છે.
શહેરની જનતાની સુખાકારી અને સલામતીને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકાના કમિશનર, મેયર અને સ્થાનિક વહીવટી તંત્ર પક્ષપાત કે વિલંબ વિના આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી લોકમાંગ બુલંદ બની છે.












