HALVAD:હળવદના સુંદરગઢ સીમમાં બ્રાહ્મણી ડેમ કાંઠે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો: ૧૦૦૦ લીટર ઠંડો આથો ઝડપાયો, આરોપી ફરાર

હળવદ પોલીસ દ્વારા પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી સુંદરગઢ ગામની સીમમાં ચાલતી દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ પર દરોડો પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન બાવળની ઝાડીઓમાંથી ૧૦૦૦ લીટર ઠંડો આથો જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, સુંદરગઢ ગામનો રહેવાસી અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઈ ખાંભડીયા બ્રાહ્મણી ડેમના કાંઠે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી ડેમ-૨ના પશ્ચિમ કાંઠે બાવળની કાંટમાં અચાનક દરોડો પાડ્યો હતો.
સ્થળ પર તપાસ કરતા જમીનમાં દાટેલા ૫૦૦ લીટરની ક્ષમતાવાળા બે પ્લાસ્ટિકના ટાંકા મળી આવ્યા હતા. જેમાં ભરેલો આશરે રૂ. ૨૫,૦૦૦ની કિંમતનો ૧૦૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા દરમિયાન આરોપી અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઈ ખાંભડીયા સ્થળ પર હાજર મળ્યો ન હતો. પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, તેને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરી છે.












