તારીખ ૦૬/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરના હૃદય સમાન મહાલક્ષ્મી ચોક ખાતે વર્ષોથી પરંપરાગત રીતે ભવ્ય ગરબા મહોત્સવ યોજાય છે. નવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમે છે, પરંતુ ચોકના રસ્તાની ખરાબ હાલતને કારણે ખેલૈયાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.આ સમસ્યાને ધ્યાને લઈ મહાલક્ષ્મી ચોકના સ્થાનિક નગરજનો તેમજ નવરાત્રી મહોત્સવના આયોજકો અને સહયોગી દિલીપભાઈ દવે, આશિષ સુથાર, આશિષ જોશી અને કેતન કાછિયા દ્વારા પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ ને રસ્તો બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે રજૂઆતને ગંભીરતાથી લઈ સાંસદ રાજપાલસિંહ જાદવે તાત્કાલિક ધોરણે માનવતાવાદી અભિગમ દાખવી સ્વખર્ચે ડામર રોડ બનાવી આપવાનો નિર્ણય કર્યો હતો. તેમના આદેશ બાદ તુરંત જ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ગત મોડી રાત્રે યુદ્ધના ધોરણે રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. જ્યાં રોડની કામગીરી ચાલી રહી હતી ત્યારે મોડી રાત્રે સ્થળ પર કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશ પારેખ, નગરપાલિકા પ્રમુખ હસમુખ મકવાણા સાથે નગરપાલિકાના સભ્યો આશિષ સુથાર અને યુવરાજસિંહ તથા આશિષ જોશી, કેતન કાછિયા, દિલીપ દવે સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સાંસદશ્રીની આ ત્વરિત કામગીરીથી મહાલક્ષ્મી ચોકના રહીશો અને ખેલૈયાઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને આગામી નવરાત્રી મહોત્સવમાં રસ્તાને કારણે પડતી મુશ્કેલીમાંથી છુટકારો મળશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.










