બોડેલી તાલુકાના બોડેલી-છોટાઉદેપુર મુખ્ય માર્ગ પર આવેલા રેલવે ફાટક નંબર LC-65 ખાતે ઓવરબ્રિજનું કામ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઓવરબ્રિજના કામમાં અગાઉથી વિલંબ થવાનું એક કારણ વન વિભાગની વૃક્ષો હટાવવાની પરમિશન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે સવારથી વન વિભાગ, સંખેડા દ્વારા રેલવે ફાટક આસપાસના વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આશરે 61 જેટલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. વૃક્ષો હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ બોડેલી-છોટાઉદેપુર માર્ગ પર રેલવે ફાટક નંબર LC-65 ખાતે બનનાર ઓવરબ્રિજના કામને ઝડપ મળશે તેવી આશા છે. ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતાં વારંવાર રેલવે ફાટક બંધ રહેવાના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યામાંથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને મોટી રાહત મળી શકે છે.