તા.૦૬.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
દાહોદ ૧૮૧ મહિલા હેલ્પલાઇન અને ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમના સંયુક્ત પ્રયાસોથી ૧૫ વર્ષીય કિશોરીનું પરિવાર સાથે સુખદ પુનઃમિલન
વડોદરામાં પોતાના માતા-પિતા સાથે રહેતી એક ૧૫ વર્ષીય કિશોરીને કોઈ કારણસર માતા-પિતા સાથે ઝગડો થયો હતો. જેથી ગુસ્સામાં આવીને તે ઘરેથી નીકળી ગઈ હતી અને બસમાં બેસી દાહોદ આવવા રવાના થઈ હતી. કિશોરી પાસે ટિકિટના પૈસા ન હોવાથી, બસમાં મુસાફરી કરી રહેલા એક જાગૃત નાગરિકે તેની ટિકિટના પૈસા આપી મદદ કરી હતી.ત્યારબાદ, તે કિશોરી ગોધરા પહોંચતા જાગૃત વ્યક્તિએ ગોધરા ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમનો સંપર્ક કર્યો હતો. ગોધરા ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ કિશોરીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને દાહોદ બસ સ્ટેશન પર લઈને આવી હતી અને ત્યાં દાહોદ ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમને જાણ કરી કિશોરીને સોંપી હતી.૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ અને કાઉન્સેલિંગ:દાહોદ ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમે કિશોરીનું પ્રાથમિક કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારબાદ તેનું મેડિકલ ચેકઅપ કરાવવા અને આગળની પ્રક્રિયા માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ લેવામાં આવી હતી. ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમે સ્થળ પર પહોંચીને કિશોરીનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું, જેનાથી કિશોરીનો ડર દૂર થયો અને તેણે પોતાના વતનનું સરનામું આપ્યું હતું.૧૮૧ની ટીમે કિશોરીને પ્રેમપૂર્વક સમજાવીને પૂછ્યું કે, “જો તારે તારા પરિવાર પાસે જવું હોય તો અમારી ટીમ તને સહી-સલામત ઘરે મૂકી જશે.” કિશોરી પોતાના પરિવાર પાસે જવા સંમત થતાં, ટીમે તાત્કાલિક તેના ગામના સરપંચનો સંપર્ક કર્યો હતો.પરિવાર સાથે પુનઃમિલન અને આભાર પ્રકટ કર્યો:સરપંચની મદદથી કિશોરીના ઘરની માહિતી મેળવી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અને ચાઇલ્ડ હેલ્પલાઇનની સંયુક્ત ટીમ કિશોરીને લઈને તેના ઘરે પહોંચી હતી. ઘરે કિશોરીના દાદા-દાદી હાજર હોવાથી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી કિશોરીને સહી-સલામત તેમને હેન્ડ ઓવર કરવામાં આવી હતી.પોતાની દીકરીને એકદમ સ્વસ્થ અને સુરક્ષિત રીતે ઘરે પરત આવેલી જોઈને કિશોરીના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને મુશ્કેલ સમયમાં ત્વરિત મદદ કરવા બદલ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ અને ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.








