તા.૦૭.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Limkheda:લીમખેડાની વિજય હોટેલ નજીક ગમખ્વાર અકસ્માત: એકસાથે ૪ વાહનો અથડાયા, સદનસીબે જાનહાનિ ટળી
દાહોદ જિલ્લાના લીમખેડામાં વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. લીમખેડા સ્થિત વિજય હોટેલ નજીક આવેલા ક્રોસિંગ પર દાહોદ તરફથી આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકે અચાનક વળાંક લેતાં, પાછળ અને આસપાસથી આવી રહેલા અન્ય ત્રણ વાહનો બસ સાથે ધડાકાભેર અથડાયા હતા.સ્થળ પર અફરાતફરી અને ટ્રાફિક જામ અચાનક બનેલી આ ઘટનામાં એકસાથે ચાર-ચાર વાહનો એકબીજા સાથે ભટકાતા ઘટનાસ્થળે ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને થોડા સમય માટે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેને કારણે વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો હતો.આ ભીષણ અકસ્માતમાં વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મોટું નુકસાન થયું હતું. ધડાકો એટલો જોરદાર હતો કે અવાજ સાંભળીને સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટના અત્યંત ગંભીર સ્વરૂપની હોવા છતાં, સદનસીબે કોઈ મુસાફર કે વાહનચાલકને ગંભીર ઈજા થઈ ન હતી કે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. તમામનો ચમત્કારિક બચાવ થતાં સ્થાનિકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વાહનચાલકોએ ભેગા મળીને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.









