તારીખ ૦૮/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની ટીંબાગામ પ્રાથમિક શાળા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા આયોજિત ‘કિડનોવેશન’ કાર્યક્રમમાં ટીંબાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પાંચ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાંથી પસંદ થયેલા કુલ સાત પ્રોજેક્ટમાંથી પાંચ પ્રોજેક્ટ ટીંબાગામ પ્રાથમિક શાળાના હોવું શાળાની સર્જનાત્મક અને નવીનતાસભર શૈક્ષણિક પ્રવૃત્તિઓનું ઉત્તમ ઉદાહરણ છે.અને આ સિદ્ધિમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને નવીન વિચારસરણીનો પરિચય કરાવ્યો છે. પસંદ થયેલા વિદ્યાર્થીઓમાં બારૈયા હેમંગી એસ., પરમાર ક્રિષ્ના આર. (બે પ્રોજેક્ટ), પટેલ વંશકુમાર કે. અને કલ્પિત આર. પરમારનો સમાવેશ થાય છે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર શિક્ષકો તથા તેમના વાલીઓનો પણ આ સફળતામાં મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું કે, “આજના નાના વૈજ્ઞાનિકો આવતીકાલના ઉજ્જવળ ભારતના નિર્માતા બનશે.” બાળકોમાં સંશોધન, પ્રયોગ અને નવીનતા પ્રત્યે રસ કેળવાય તે માટે શાળા સતત પ્રયત્નશીલ રહેશે.
ટીંબાગામ પ્રાથમિક શાળાના આ પાંચ પ્રોજેક્ટની પસંદગી સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવની બાબત છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.











