તા.08/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


મહિલા સુરક્ષા, ફાયર સેફ્ટી અને હથિયારબંધી અંગે સુરેન્દ્રનગર પોલીસ કડક, સુરેન્દ્રનગર: આગામી પવિત્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન જિલ્લામાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા તમામ ગરબા અને પાર્ટી પ્લોટના આયોજકો સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ વડાએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં આયોજકોને તમામ સરકારી અને સુરક્ષાના નિયમોનું અક્ષરશઃ પાલન કરવા આદેશ આપ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આયોજકોને આકરા શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, કોઈપણ ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિ કે અસામાજિક તત્વોનું સ્ટેજ પરથી મહિમામંડન, વિશિષ્ટ સરભરા કે સ્વાગત કરી શકાશે નહીં. જો કોઈ આયોજક આવા સીન-સપાટા કે અસામાજિક તત્વોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરશે, તો પોલીસ દ્વારા તાત્કાલિક કાયદેસરની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરીને પાર્ટી પ્લોટ કે ગરબાનું આયોજન તુરંત જ બંધ કરાવી દેવામાં આવશે. આ ઉપરાંત, લાઈસન્સ ધરાવતા હથિયારો સાથે પણ ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ કરવા કે રોફ અને પ્રદર્શન કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. ગરબા ગ્રાઉન્ડમાં મહિલાઓ, બહેનો અને બાળકો સાથે સભ્ય વર્તન થાય તે સુનિશ્ચિત કરવાની પ્રાથમિક અને નૈતિક જવાબદારી આયોજકોની રહેશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ગરબા સ્થળ પર ફાયર સેફ્ટી અને ફૂડ સેફ્ટીના જરૂરી સાધનો, પૂરતી લાઈટિંગ, પાવર બેકઅપ માટે જનરેટર તેમજ વાહનોના પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા સૂચના અપાઈ છે. કોઈ પણ અકસ્માત કે ઈમરજન્સીની સ્થિતિમાં લોકો સુરક્ષિત બહાર નીકળી શકે તે માટે ગ્રાઉન્ડ પર વિશાળ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ રાખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબાની રમઝટ માણી શકે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશ









