તા.૦૮?૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Sukhsar:મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે સુખસર તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ સાથે સુખસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સુખસર મામલતદારને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.મળતી માહિતી મુજબ, સુખસર તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મારગાળા ચોકડી ખાતે એકત્રિત થયા હતા. ત્યાંથી તેઓ વિશાળ રેલી સ્વરૂપે નીકળી બસ સ્ટેશન વિસ્તાર થઈને સુખસર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. રેલી દરમિયાન સમગ્ર માર્ગ પર કોંગ્રેસી કાર્યકરોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓએ ભાજપ સરકારની નીતિઓ અને ચૂંટણી પ્રક્રિયા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.આ વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કોંગ્રેસના અગ્રણી નેતાઓ હર્ષદભાઈ નિનામા, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, ચંદ્રિકાબેન બારીયા, મહેશભાઈ મછાર સહિત તાલુકા અને જિલ્લાના અન્ય હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.મામલતદાર કચેરી ખાતે પહોંચીને કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મામલતદારને આવેદનપત્ર આપી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તાત્કાલિક પ્રભાવથી પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી માંગણી કરી હતી.સરકાર વિરોધી સૂત્રોચ્ચારથી પરિસર ગુંજ્યું આ આખા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ સરકારના વિરોધમાં જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રેલીમાં “એક કાચોડી દો સમોસા મોદી, તેરા ક્યા ભરોસા”, “ભાજપ સરકાર હાય હાય” તેમજ “વોટ ચોર, ગદ્દી છોડ” જેવા લોકપ્રિય અને તીખા સૂત્રો પોકારીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે લોકશાહીના મૂલ્યોની રક્ષા માટે અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા માટે આ વિરોધ જરૂરી બન્યો છે અને આગામી દિવસોમાં પણ વિવિધ જનહિતના મુદ્દાઓને લઈને સરકાર સામે લડત ચાલુ રહેશે










