કેશોદ તાલુકા કક્ષાના કલા મહાકુંભ-૨૦૨૬નું ભવ્ય આયોજન, ૮૦૦થી વધુ સ્પર્ધકોએ ૧૪ વિવિધ કૃતિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ દ્વારા અને સરકારી આદર્શ નિવાસી શાળા, કેશોદના સંયુક્ત આયોજન હેઠળ કેશોદ તાલુકા કક્ષાના કલા મહાકુંભ-૨૦૨૬નું ભવ્ય આયોજન સરકારી આદર્શ નિવાસી શાળા, કેશોદ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કેશોદ તાલુકાની વિવિધ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના ૮૦૦થી વધુ ભાઈઓ અને બહેનોએ ૧૪ વિવિધ કૃતિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેશોદના ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્યશ્રી વંદનાબેન મકવાણા તથા જિલ્લા નાયબ નિયામકશ્રી પવાર સાહેબ ઉપસ્થિત રહી શક્યા ન હોવા છતાં તેમણે સ્પર્ધાના સુંદર આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને તમામ સ્પર્ધકોને ઉજ્જવળ સફળતા માટે શુભકામનાઓ આપી હતી. કાર્યક્રમમાં કેયુરભાઈ દેવળીયા, ભરતભાઈ કોરિયા, ગૌરાંગભાઈ વ્યાસ, પ્રવીણભાઈ ભાલારા, દિનેશભાઈ મોરી, સરકારી આદર્શ નિવાસી શાળાના આચાર્ય બી. એસ. ભાવસાર, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી એ. કે. રાઠોડ, એમ. ડી. દાહીમાં, હીરાભાઈ મૂછાળ, દિનેશભાઈ કાનાબાર, ચેતનભાઈ પરમાર, દિનેશભાઈ જોષી, દિનેશભાઈ મારુ સહિતના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય બી. એસ. ભાવસારે ઉપસ્થિત મહેમાનો અને સ્પર્ધકોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. આ સમગ્ર સ્પર્ધાના કન્વીનર ડૉ. હમીરસિંહ વાળાએ કલા મહાકુંભના આયોજન પાછળનો સરકારશ્રીનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, ગામડાં અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજોના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં રહેલી સુષુપ્ત કલાશક્તિને યોગ્ય મંચ પૂરું પાડવું એ આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે. સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્રકલા, અભિનય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માધ્યમથી નવી પેઢીની પ્રતિભાને પ્રોત્સાહન આપવું તથા ભારતીય સંસ્કૃતિના ઉજ્જવળ વારસાને જીવંત રાખી નવી પેઢી સુધી પહોંચાડવો એ કલા મહાકુંભનો ઉમદા અભિગમ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા, અભિવ્યક્તિની ક્ષમતા અને સાંસ્કૃતિક જાગૃતિ વિકસાવવાની સાથે તેમને તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ પોતાની પ્રતિભા રજૂ કરવાની તક પૂરી પાડે છે. શાળાના આચાર્ય બી. એસ. ભાવસારે પણ આ સુંદર આયોજનને બિરદાવતાં તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપસ્થિત મહેમાનોએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા અને આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લા તથા સોરઠનું ગૌરવ વધારવા માટે શુભકામનાઓ આપી હતી. અને આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સંસ્થાઓ, વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા. કેશોદ તાલુકો હંમેશાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યો છે. આ કલા મહાકુંભમાં વિવિધ વયજૂથના ૮૦૦થી વધુ સ્પર્ધકોએ ૧૪ જેટલી કૃતિમાં ભાગ લઈને પોતાની કલા, સર્જનાત્મકતા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ, લોકગીત/ભજન, સુગમ સંગીત, લગ્નગીત, સમૂહગીત, લોકનૃત્ય, રાસ અને ગરબા જેવી કુલ ૧૪ કૃતિઓમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. વિવિધ કૃતિઓમાં સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલાત્મક ક્ષમતા અને સાંસ્કૃતિક વારસાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. વિવિધ કૃતિઓના મૂલ્યાંકન માટે ડૉ. ભુપેન્દ્રભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ આર. પી. સોલંકી, જગમાલભાઈ નંદાણિયા, દિનેશભાઈ જોષી, એચ. એન. બારડ, કરડાણી, જલ્પેશભાઈ ડોબરીયા, બ્રહ્માકુમારી અલ્પાબેન, વી.ડી.લાડાણી સહિતના અનુભવી નિર્ણાયકોની સમિતિએ જવાબદારી સંભાળી હતી. નિર્ણાયકોએ સ્પર્ધકોની રજૂઆતનું મૂલ્યાંકન કરી તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, જેથી પ્રતિભાશાળી સ્પર્ધકો આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કેશોદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરી શકે અને જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધારે. આ સ્પર્ધામાં ઉપસ્થિત મહેમાનો અને આયોજકોએ આયોજન અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સ્પર્ધકો માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકારી આદર્શ નિવાસી શાળા, કેશોદના આચાર્ય બી. એસ. ભાવસારના માર્ગદર્શન હેઠળ શાળાના સમગ્ર સ્ટાફ સાથે વિજયસિંહ વાળા, મયુર વાજા તથા અન્ય સહયોગીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. કલા મહાકુંભ-૨૦૨૬ના આ સફળ આયોજનથી કેશોદ તાલુકાની કલાત્મક અને સાંસ્કૃતિક પ્રતિભાઓને પ્રોત્સાહન મળ્યું છે. સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકો આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કેશોદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. તમામ વિજેતા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી જૂનાગઢ જિલ્લાનું અને સોરઠનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ સાથે કાર્યક્રમનું સફળ સમાપન થયું હતું

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો