MORBI:મોરબી-વાંકાનેર હાઈવે પર મકનસર નજીક બોલેરોની ટક્કરે બાઈકસવાર બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર મકનસર ગામના કટ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી બોલેરો પીકઅપે આગળ જઈ રહેલા બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતાં બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા બોલેરો ચાલક સામે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


બનાવની વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ મકનસરની ધર્મમંગલ સોસાયટીમાં રહી રાતાવીરડા ચોકડી નજીક ખાનગી કંપનીમાં ફરજ બજાવતા રામુભાઈ સુરેન્દ્રકુમાર શર્મા (ઉં.વ. ૨૩) ગત તા. ૭ ઓક્ટોબરના રોજ બપોરે આશરે બે વાગ્યે પોતાના મિત્ર નીખિલસિંહ મહેન્દ્રસિંહ સાથે પલ્સર બાઈક (નં. UP-75-AV-0329) પર એપેક્ષ હોસ્પિટલથી મકનસર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઈક નીખિલસિંહ ચલાવી રહ્યા હતા અને રામુભાઈ પાછળ બેઠા હતા.
બાઈક જ્યારે મકનસર ગામના કટ પાસે પહોંચ્યું ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી આવી રહેલી બોલેરો પીકઅપ (નં. GJ-36-V-5832) ના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બંને મિત્રો ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા.
અકસ્માતને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ મારફતે બંને ઈજાગ્રસ્તોને મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં રામુભાઈને જમણા પગના ઘૂંટણ નીચે ફ્રેક્ચર જણાયું હતું, જ્યારે નીખિલસિંહને માથાના ભાગે અને જમણા પગે ગંભીર ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હોવાથી બંનેને વધુ સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના અંગે ઈજાગ્રસ્ત રામુભાઈ શર્માની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા બોલેરો ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.











