MORBI:મોરબીના રવાપર-લીલાપર રોડ પર કેનાલમાં ડૂબી જતાં નેપાળી યુવકનું કરુણ મો*ત

મોરબીના રવાપર-લીલાપર રોડ પર કેનાલના પાણીમાં ડૂબી જવાથી ૩૫ વર્ષીય નેપાળી યુવકનું અકાળે મોત નીપજ્યું છે. બનાવને પગલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો અનુસાર, મૂળ નેપાળના કાલીકોટ જિલ્લાના મુમરા વિસ્તારના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર આવેલા બોનીપાર્ક બહુચર પેલેસની નીચેની ઓરડીમાં રહેતા ચંદ્ર મનસિંગ તીરૂવા (ઉં.વ. ૩૫) ગઈકાલે બપોરે આશરે બે વાગ્યાના સુમારે રવાપર-લીલાપર કેનાલ રોડ પર બોરીયા પાટી બજરંગ સર્કલ નજીક આવેલા નાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તેઓ કેનાલના ઊંડા પાણીમાં ખાબક્યા હતા.
યુવક કેનાલમાં ડૂબી જતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યા હતા.આ કરુણ દુર્ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.











