અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસાથી – ગેડ ગામ સુધી નવી બસ સેવા શરૂ, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત
મેઘરજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયેશભાઈ અસારી, સરપંચ મહેન્દ્રભાઈ ખરાડી સહિત ગ્રામજનોના પ્રયાસો સફળ

અરવલ્લી જિલ્લાના મોડાસાથી મેઘરજ તાલુકાના ગેડ ગામ સુધી નવી બસ સેવા શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને કોલેજ, ITI અને નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ રોજગારી માટે દરરોજ મુસાફરી કરતા મુસાફરોને આ નવી બસ સેવાનો લાભ મળશે.
ગેડ ગામ અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને મુસાફરી દરમિયાન પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ બસ સેવા શરૂ કરાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. સવારે છીટાદરા–ઈસરી રૂટની બસમાં ભારે ભીડ રહેતી હોવાથી વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના ઉકેલ માટે મેઘરજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયેશભાઈ અસારી, ગેડ ગામના સરપંચ મહેન્દ્રભાઈ ખરાડી, ગ્રામજનો, આગેવાનો અને સહકારી મંડળીના સેક્રેટરી શૈલેષભાઈ ચામ્માર દ્વારા રજૂઆતો અને પ્રયાસો કરવામાં આવ્યા હતા. મોડાસા ડેપો મેનેજર પટેલ સાહેબના સહકારથી નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે.નવી બસના સમયપત્રક મુજબ સવારે 7 વાગ્યે મોડાસાથી બસ ઉપડીને સવારે 8 વાગ્યે ગેડ ગામ પહોંચશે. ત્યારબાદ બસ રેલ્લાવાડા, વાવકંપા અને વણીયાવાડ થઈ સવારે 9 વાગ્યે મોડાસા પહોંચશે.નવી બસ સેવા શરૂ થવાથી ગેડ ગામ સહિત આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને કોલેજ, ITI અને નર્સિંગ સંસ્થાઓ સુધી પહોંચવામાં સરળતા રહેશે. સાથે જ નોકરી-ધંધા માટે મુસાફરી કરતા લોકોને પણ સુવિધા મળશે.વિદ્યાર્થીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી આ બસ સેવાને ગ્રામજનો દ્વારા આવકારવામાં આવી રહી છે. નવી બસ સેવા શરૂ થતાં લાંબા સમયથી અનુભવાતી મુસાફરીની સમસ્યામાં ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.








