TANKARA:ટંકારા નજીક અકસ્માત: ટ્રકની ટક્કરે લીલા નાળિયેર ભરેલી બોલેરો પલટી, ચાલક ઈજાગ્રસ્ત

વીરપર ગામ પાસે મોડી રાત્રે પાર્ક કરેલી બોલેરો પીકઅપને ટ્રકે પાછળથી ફંગોળી રસ્તા પર ત્રોફા વેરવિખેર થતાં ₹૩૦ થી ૪૦ હજારનું નુકસાન, ટંકારા પોલીસે ગુનો નોંધ્યો

ટંકારા તાલુકાના વીરપર ગામ નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાઇડમાં પાર્ક કરેલી લીલા નાળિયેર ભરેલી બોલેરો પીકઅપને પાછળથી પૂરઝડપે આવતા ટ્રકે જોરદાર ટક્કર મારતાં બોલેરો પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં બોલેરો ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે ગાડીમાં રહેલા નાળિયેરના ત્રોફા રસ્તા પર ફેલાઈ જતાં વેપારીને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, જૂનાગઢ જિલ્લાના શીલ ગામના રહીશ રાહુલભાઈ કરશનભાઈ ભરડા (ઉં.વ. ૩૪) બોલેરો પીકઅપ (GJ-11-VV-6613) માં જૂનાગઢથી લીલા નાળિયેર ભરીને મોરબી તરફ આવી રહ્યા હતા. ૯ ઓક્ટોબરની રાત્રે આશરે દોઢ વાગ્યાના સુમારે ટંકારાના વીરપર ગામ પાસે ‘બાની વાડી’ નજીક તેમણે પાર્કિંગ લાઈટ ચાલુ રાખી વાહન સાઇડમાં ઊભું રાખ્યું હતું.
તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક (GJ-12-AT-9078) ના ચાલકે બોલેરોને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બોલેરો પીકઅપ રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં રાહુલભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.
અકસ્માતના પગલે બોલેરોમાં ભરેલા લીલા નાળિયેર રોડ પર વેરવિખેર થઈ જતાં આશરે ₹૩૦,૦૦૦ થી ₹૪૦,૦૦૦ નું નુકસાન થયું હોવાનો અંદાજ છે. સમગ્ર મામલે ટંકારા પોલીસે ઇજાગ્રસ્ત ચાલકની ફરિયાદના આધારે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.











