અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટની કમિટીની ભિલોડામાં તપાસ – કુડોલ, પાલ સહિતના વિસ્તારોમાં સ્થળ નિરીક્ષણ,ગ્રામજનોની રજૂઆતો સાંભળી
કુડોલ, પાલ સહિતના વિસ્તારોમાં સ્થળ નિરીક્ષણ કરી ગ્રામજનોની રજૂઆતો સાંભળી; 30 નવેમ્બર સુધીમાં આખરી અહેવાલ રજૂ કરાશે
ભિલોડા, અરવલ્લી:
અરવલ્લી પર્વતમાળાના કુદરતી સૌંદર્ય, પર્યાવરણીય સંતુલન અને સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી હાઈ પાવર કમિટી ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત બાદ કમિટીની ટીમ ભિલોડા ખાતે પહોંચી હતી. અહીં ભિલોડા તાલુકાના કુડોલ, પાલ સહિતના પર્વતમાળા સાથે જોડાયેલા વિસ્તારોમાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.કમિટી દ્વારા સ્થળ પર પહોંચીને સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. આ દરમિયાન ગેરકાયદે ખનન થતું હોવાની ફરિયાદો તેમજ તેના કારણે વનવિસ્તાર, કુદરતી જળસ્રોતો અને પર્યાવરણ પર થતી સંભવિત અસરો અંગે માહિતી મેળવવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક ગ્રામજનોની રજૂઆતો અને પ્રશ્નો સાંભળીને સંબંધિત મુદ્દાઓની નોંધ લેવામાં આવી હતી.

અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને ગેરકાયદે ખનન સંબંધિત ફરિયાદોની તપાસના ભાગરૂપે કમિટી દ્વારા વિવિધ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન પર્વતીય વિસ્તારો, વનવિસ્તારો અને નદીના પટ સહિતના સ્થળો પરની પરિસ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે.
નવી માઇનિંગ લીઝ અને ખનન પર પ્રતિબંધ યથાવત્
આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા નવી માઇનિંગ લીઝના રિન્યુઅલ અને ખનન પ્રવૃત્તિઓને મંજૂરી નહીં આપવાનો આદેશ યથાવત્ રાખવામાં આવ્યો છે. કમિટીએ તમામ સંબંધિત હિતધારકોની રજૂઆતો અને તપાસની કામગીરી પૂર્ણ કરીને 30 નવેમ્બર, 2026 સુધીમાં પોતાનો આખરી અહેવાલ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો છે.
આ મામલે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 2 ડિસેમ્બર, 2026ના રોજ યોજાવાની છે. ત્યારે ભિલોડા સહિત અરવલ્લી પર્વતમાળાના સંવેદનશીલ વિસ્તારોમાં થયેલી તપાસ અને ગ્રામજનોની રજૂઆતોનો આખરી અહેવાલમાં કેવો સમાવેશ થાય છે, તેના પર સૌની નજર રહેશે.
અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે હાથ ધરાયેલી આ તપાસથી ગેરકાયદે ખનન સંબંધિત ફરિયાદો અને પર્યાવરણને થતી અસરો અંગે વધુ સ્પષ્ટતા થવાની અપેક્ષા છે. જોકે, આ અંગેના અંતિમ તારણો કમિટીના અહેવાલ અને સુપ્રીમ કોર્ટના આગામી આદેશ બાદ જ સ્પષ્ટ થશે.










