બોડેલી-ડભોઇ રોડ પર પીઠા ગામ નજીક બે ટ્રક વચ્ચે કાર ફસાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, જંગલ ખાતામાં ફરજ બજાવતા કમલેશભાઈ બી. પટેલ પોતાની ફોરવ્હીલ કાર લઈને છોટાઉદેપુરથી મહેસાણા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન પીઠા ગામ નજીક તેમની કાર આગળ વડોદરા તરફ જતી એક ટ્રક ચાલી રહી હતી. આ સમયે આગળની ટ્રકે અચાનક બ્રેક મારતાં પાછળથી રેતી ભરીને આવતી ટ્રકના ચાલકથી સમયસર બ્રેક મારી શકાઈ નહોતી. પરિણામે રેતી ભરેલી ટ્રકે કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં કાર આગળ ચાલી રહેલી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કમલેશભાઈને કારમાંથી બહાર કાઢ્યા હતા. જોકે, કારની હાલત જોઈને અકસ્માતની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે, પરંતુ સદનસીબે કમલેશભાઈને કોઈ ઈજા થઈ નહોતી અને તેમનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો