વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

પેટા:-ડાંગ જિલ્લાના શિક્ષકો અને સેવાભાવી સંસ્થાઓની સરાહનીય પહેલ ,આદિવાસી સમાજની દીકરીના ઉચ્ચ શિક્ષણને મળ્યું પ્રોત્સાહન..
ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક સંકડામણને કારણે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુથી ડાંગ જિલ્લાના ગુરુજનોએ શિક્ષણસેવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. આ પહેલ અંતર્ગત ડાંગની મયુરીકુમારી રવિન્દ્રભાઈ ચૌધરીને MBBSના અભ્યાસ માટે કુલ ₹1,85,000ની આર્થિક સહાય પ્રાપ્ત થઈ છે.મયુરીકુમારીએ ધોરણ 1થી 5નો અભ્યાસ લહાનચર્યા પ્રાથમિક શાળામાં અને ધોરણ 6થી 12નો અભ્યાસ જવાહર નવોદય વિદ્યાલય, સાપુતારા ખાતે પૂર્ણ કર્યો છે. NEETમાં 310 ગુણ મેળવી હાલ તેઓ શ્રી સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, કલોલ, ગાંધીનગર ખાતે MBBS પ્રથમ વર્ષમાં અભ્યાસ કરશે.આ સેવાકાર્યમાં ડાંગ, વલસાડ, નવસારી, ધરમપુર, તાપી અને સુરત સહિતના વિસ્તારોમાં કાર્યરત અલગ અલગ સમાજસેવા ટ્રસ્ટો, શિક્ષક મિત્રો, સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ, સમસ્ત આદિવાસી સમાજ ડાંગ, કુકણા એન્જિનિયર્સ ગ્રુપ એસોસિયેશન ટ્રસ્ટ તથા અન્ય દાતાઓ અને સેવાભાવી વ્યક્તિઓએ સહયોગ આપ્યો છે. સમસ્ત આદિવાસી સમાજ વતી આચાર્ય આશ્રમશાળા સીતાપુરના રિતેશભાઈ પટેલ ,ઉગા ચીચપાડા પ્રાથમિક શાળા શિક્ષક તાનાજીભાઈ,મોટાચર્યા શિક્ષક મનોજ ગાવિત ,મોટાચર્યા ઉપ સરપંચ દિલીપભાઈ,સહિત આગેવાનો એ દીકરી ને સહયોગ આપનાર દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પહેલ માત્ર આર્થિક સહાય પૂરતી સીમિત નથી, પરંતુ આદિવાસી સમાજની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે. ગુરુજનોની આ સેવાભાવના સમાજમાં શિક્ષણની નવી આશા જગાવી રહી છે અને સાચા અર્થમાં શિક્ષક સમાજના પથદર્શક તથા રાષ્ટ્રનિર્માતા છે તે સાબિત કરે છે.










